પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ, બાકીના નવ ટૅક્સ તો ભરવા જ પડશે

મુંબઈ, તા. 14 : મુંબઈમાં 500 ચોરસ  ફૂટ સુધીના ફ્લૅટને 2019ની 1 જાન્યુઆરીથી પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવા બાબતનો અધ્યાદેશ બહાર પડાયો હોય તોય પ્રૉપર્ટી ટૅક્સની સાથે આકારાતા અન્ય 9 ટૅક્સ તો ભરવા જ પડશે. એટલે મુંબઈગરાઓને પ્રૉપર્ટી ટૅક્સ માફ થયાનો પૂરેપૂરો આનંદ નહીં મળે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
500 ચોરસ ફૂટ સુધીના ફ્લૅટનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાનો નિર્ણય લઈને રાજ્ય સરકારે ચૂંટણી ટાણે શિવસેનાને તથા મતદારોને ખુશ કરી દીધા છે. જોકે એ સંદર્ભનો અધ્યાદેશ બહાર પડયો નહોતો એટલે પ્રૉપર્ટી ટૅક્સ માફીની અમલબજાવણી પરથી પાલિકાના સત્તાવાળાઓમાં પણ શંકા પ્રવર્તી રહી હતી.
આ અધ્યાદેશની કૉપી હજી સુધી અધિકૃત રીતે મહાપાલિકાને પ્રાપ્ત થઈ નથી એવું અધિકારીઓએ કહ્યું છે.
500 ચોરસ ફૂટનો નિર્ણય કાર્પેટ એરિયાને લાગુ પડાયો છે ખરો એવો પ્રશ્ન પણ અનેક મુંબઈગરાઓને સતાવી રહ્યો છે. આ અધ્યાદેશમાં એટલું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 46.45 ચોરસ મીટર એટલે કે 500 ચોરસ ફૂટનાં ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવામાં આવ્યો છે.
એક તરફ પાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં જે સોસાયટીઓએ પ્રૉપર્ટી ટૅક્સ ભર્યો નથી તેમની પાસેથી એ વસૂલ કરવાનું શરૂ કર્યું છે, તો બીજી બાજુએ આવી પડેલા આવા નિર્ણય થકી લોકો કહેવા માંડયા છે કે `અમે હવે ટૅક્સ શા માટે ભરીએ?' 
દરમિયાન પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓએ મુંબઈગરાઓના આવા પ્રશ્નનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિર્ણયની અમલબજાવણી જાન્યુઆરી 2019થી થવાની છે એટલે ડિસેમ્બર 2018 સુધીનો પ્રૉપર્ટી ટૅક્સ દરેક વ્યક્તિએ ભરવો જ પડશે. પાલિકાના અધિકારીઓએ કહ્યું છે કે 70થી 80 ટકા બિલ આ નાણાકીય વર્ષમાં મુંબઈગરાઓએ ભરવા જ પડશે. પ્રત્યક્ષ રીતે બિલમાં જે રાહત મળવાની છે એ તો આવતા વર્ષથી જ જોવા મળશે. પ્રૉપર્ટી ટૅક્સનું બિલ આપતી વખતે પાલિકા તરફથી 10 ટૅક્સ ભરવાના હોય છે અને એમાંથી ફક્ત સામાન્ય ટૅક્સ જ માફ કરવામાં આવ્યો છે, બાકીના 9 ટૅક્સ તો મુંબઈગરાઓએ ભરવા જ પડશે. કરમાફી લાગુ પડયા બાદ પણ મુંબઈગરાને ઝીરો બિલ આવવાનું નથી.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer