અઝીમ પ્રેમજી બન્યા દેશના સૌથી મોટા દાનવીર

અઝીમ પ્રેમજી બન્યા દેશના સૌથી મોટા દાનવીર
વિપ્રોના 34 ટકા શૅર એટલે કે 52,750 કરોડ સહિત 145 હજાર કરોડ દાનમાં આપ્યા
નવી દિલ્હી, તા. 14 : આઈટી દિગ્ગજ અને વિપ્રોના અધ્યક્ષ અઝીમ પ્રેમજી વિપ્રો લિમિટેડના 34 ટકા શેર એટલે કે, 52,750 કરોડ રૂપિયાના બજાર મૂલ્યના શેર પરમાર્થની પ્રવૃત્તિઓ માટે દાનમાં દઈ દેતાં દેશના સૌથી મોટા દાનવીર બની ગયા છે.
અઝીમ પ્રેમજીના આ પગલાંથી દેશના કરોડો લોકોને લાભ થશે. આ પ્રેરક પહેલના ઉમેરા સાથે પ્રેમજી પરિવાર દ્વારા દાન કરાયેલી કુલ રકમ 21 અબજ ડોલર એટલે કે, 145 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ દાનની રકમ વિપ્રો લિમિટેડના આર્થિક સ્વામિત્વના 67 ટકા જેટલી થાય છે. અઝીમ પ્રેમજીને દાનવીર તરીકે નવાજતાં ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન અપાયું છે.
ફાઉન્ડેશને જારી કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, પ્રેમજીએ પોતાની અંગત સંપત્તિઓનો વધુમાં વધુ ત્યાગ કરી દીધો છે.
આઈટી ઉદ્યોગ વિકસાવવાની સાથોસાથ એક સમાજસેવક તરીકે સમાજમાં યોગદાનની કદરરૂપે અઝીમ પ્રેમજીને ફ્રાન્સે સન્માનીત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અજીમ પ્રેમજી ફાઉન્ડેશન કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગાણા, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોની સરકારો સાથે મળીને કામ કરે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer