ભાનુશાળી હત્યાકેસ : છબિલ પટેલ સીટ સમક્ષ શરણે થયો

ભાનુશાળી હત્યાકેસ : છબિલ પટેલ સીટ સમક્ષ શરણે થયો
અમદાવાદ વિમાની મથકે ઊતરતાં જ પોલીસે દબોચ્યો : સાંજે છબિલની વિધિસર ધરપકડ કરી રિમાન્ડ પર લેવાશે : હત્યારાઓ હત્યા પછી છબિલના ફાર્મહાઉસમાં જ રોકાયા હતા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 :  સીઆઇડી ક્રાઇમના વડા  આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કચ્છના હાઇ પ્રોફાઇલ જયંતીભાઇ ભાનુશાળી હત્યાકેસમાં છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતાં મુખ્ય સૂત્રધાર મનાતા કચ્છના જ પૂર્વ ધારાસભ્ય અને ભાનુશાળીના રાજકીય હરીફ છબિલ પટેલ આજે ન્યૂ યોર્કથી વાયા દુબઇ થઇને સવારે આવી રહેલ છે તેની સીઆઇડી પોલીસને જાણ થતાં આજે સવારે પોલીસ એરપોર્ટ ગોઠવાઇ ગઇ હતી અને તે એસઆઇટી સમક્ષ શરણે આવ્યો હતે.  આજે  સવારે ચાર વાગે આવતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાજર એસઆઇટીના વડા ગૌતમ તથા તેમના સ્ટાફે  તેને દબોચી લીધો હતો અને ત્યાંથી તેને રાણીપ સ્થિત એસ.પી. ઓફિસ ખાતે લઇ જવાયો હતો અને એસ.આઇ. ટી. દ્વારા ઊંડી પૂછપરછ કરાઇ હતી. જેમાં તેણે પોતાનો  ગુનો કબૂલી લીધો હતો. આજે સાંજે તેની વિધિસર ધરપકડ કરીને તેને ભુજની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.
તેમણે જણાવ્યું હતું કે, સિદ્ધાર્થની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, તેણે જ છબિલ પટેલને રહેવાની અને વિદેશ ભાગી જવા માટે મદદ કરી હતી. વિશાલ કાંબલેએ છબિલ પટેલ અને શાર્પ શૂટર શશિકાંત દાદા કાંબલે અને અશરફ અનવર શેખની 9 નવેમ્બર 2018ના રોજ મુંબઇમાં આવેલા ઇનોરબીટ મોલમાં મુલાકાત કરી હતી અને રૂપિયા 30 લાખમા ંસોપારી આપવાનું નક્કી કર્યું હતું અને એડવાન્સ પેટે રૂપિયા 5 લાખ આપ્યા હતા. જેમાંથી અશરફ શેખે રૂપિયા 2 લાખ લઇને રૂપિયા 1.30 લાખમાં 3 પિસ્તોલ અને 15 કારતૂસ ખરીદ્યા હતા જે વાતથી સિદ્ધાર્થ વાકેફ હતો.
ભાનુશાળીની હત્યા બાદ છબિલ પટેલ અને તેનો પુત્ર સિદ્ધાર્થ ફરાર થઇ ગયા હતા. જોકે તેઓ તેમના સંબંધીઓના સંપર્કમાં હતા જે અંગે પોલીસને જાણ હતી. પોલીસ સિદ્ધાર્થ અને છબિલની શોધ કરતી હતી જેમાં પોલીસને વિગતો સાંપડી હતી કે  સિદ્ધાર્થ ગોવાની એક હોટલમાં છુપાયો છે સિદ્ધાર્થ પાછળથી પોલીસના શરણે આવ્યો હતો. છબિલના સંબંધીઓની ધરપકડ અને તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસ તૈયારીઓ કરે છે તે વિગતો જાણી છબિલ પણ ગમે ત્યારે શરણે આવશે તે પોલીસને જાણ હતી સાથે સાથે પોલીસે છબિલ પટેલ માટે એરપોર્ટ પર લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી.  ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડી છબિલ બીજી જાન્યુઆરીએ જ વિદેશ ભાગી ગયો હતો. 7મી જાન્યુ.  એ પુણેના બે શાર્પશૂટરોએ ભુજથી સયાજીનગરી એક્સ્પ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે ગોળીઓ મારીને તેની હત્યા કરી હતી.
આ ઘટનામાં મુખ્ય કાવતરાખોર તરીકે તેમના રાજકીય હરીફ છબિલ પટેલ અને મનીષા ગોસ્વામીનાં નામ બહાર આવ્યાં હતાં. પોલીસે આ બનાવમાં અત્યાર સુધી પાંચ આરોપીઓની સામે ફરિયાદ દાખલ કરી છે. છબિલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતીલાલ ઠકકર ઉર્ફે ડુમરા અને પત્રકાર ઉમેશ પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે શૂટર શશિકાંત કાંબલે, અશરફ શેખ, વિશાલ કામ્બલે અને છબિલનો પુત્ર સિદ્ધાર્થ પટેલ,રાહુલ પટેલ,નીતિન પટેલનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસ મનીષા, સરજિતભાઉ અને ઉમેશ પરમારની શોધ ચલાવે છે અને તેની પણ  અટકાયત કરે તેવી શક્યતા છે.
પોલીસે કેટલીક બાબતો અંગે છબિલ પટેલ અને સિદ્ધાર્થ પટેલની સામસામે હાજર રાખીને પૂછપરછ કરીને ખુલાસા કર્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે, છબિલ સામે દિલ્હીમાં સુરતની એક યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદ કરી હતી જેથી તે વ્યથિત હતો અને દિલ્હી પોલીસ ભુજ આવી હતી અને તેને ખર્ચ પણ ઘણો થયો હતો પછી છબિલે તેની સાથે સમાધાન પણ કર્યુ હોવાનું જાણવા મળે છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer