શિવસેના અને ભાજપ દક્ષિણ મુંબઈ અને ઇશાન મુંબઈની બેઠકની અદલાબદલી નહીં કરે

શિવસેના અને ભાજપ દક્ષિણ મુંબઈ અને ઇશાન મુંબઈની બેઠકની અદલાબદલી નહીં કરે
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 14 : શિવસૈનિકોના ઇશાન મુંબઈમાંથી વિદ્યમાન સંસદસભ્ય અને સિનિયર નેતા કિરીટ સોમૈયા સામેના પ્રચંડ વિરોધને લીધે એવી અટકળો થતી હતી કે શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકની અદલાબદલી થશે તથા શિવસેના તેની કવોટાની દક્ષિણ મુંબઈ બેઠક ભાજપને આપીને ઇશાન મુંબઈની બેઠક માગશે. જોકે, રાજકીય વર્તુળોએ આ વાતને રદિયો આપ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે દક્ષિણ મુંબઈમાંથી કૉંગ્રેસે મિલિન્દ દેવરા અને ઇશાન મુંબઈમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસે સંજય દિનામા પાટીલને ટિકિટ આપી છે. દક્ષિણ મુંબઈના વિદ્યમાન સંસદસભ્ય અરવિંદ સાવંત તેમ જ ઇશાન મુંબઈના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ તેમનો પ્રચાર પુરજોશમાં ચાલુ કરી દીધો છે.
શિવસેનાના પ્રવકતા નિલમતાઈ ગોરેએ આ વિશે કશી ટિપ્પણી કરવાની ના પાડી હતી. અરવિંદભાઈ સાવંતે આ સંવાદદાતાને કહ્યું હતું કે શિવસેના અને ભાજપ બેઠકની અદલાબદલી કરશે એ વાત પાયાવિહોણી અને દમ વગરની છે. મને તો શિવસેનાપ્રમુખે ગૂડીપડવાના પર્વના દિવસે જ દક્ષિણ મુંબઈમાં પ્રચાર ચાલુ કરી દેવાનું જણાવ્યું હતું. મારો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો  છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવજી એક વાર જે વાત કહે છે એ બ્રહ્મવાક્ય હોય છે. તેઓ પોતાના વચનનું કોઈ પણ સંજોગોમાં પાલન કરે છે. મને મારા વિકાસકાર્યોને લીધે મતદાતાઓનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. શિવસેનાના બીજા એક નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે આ બધી અટકળો શિવડી, વરલી કે મુંબાદેવી નહીં પરંતુ મલબાર હિલમાંથી જ ઊડી રહી છે. અમને કોઈ શંકા નથી કે દક્ષિણ મુંબઈમાંથી અરવિંદ સાવંત ફરી વિજય મેળવશે. દક્ષિણ મુંબઈના ભાજપના બે નેતાઓએ પણ નામ ન જણાવાની શરતે આ અટકળો ખોટી હોવાનું કહ્યું હતું.
ઇશાન મુંબઈના વિદ્યમાન સંસદસભ્ય કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે હું રાજકીય અટકળો વિશે કશું કહીશ નહીં. મેં મારું પ્રચારકાર્ય શરૂ કરી દીધું છે અને મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઇશાન મુંબઈના ભાજપના એક નેતાએ નામ ન જણાવાની શરતે કહ્યું હતું કે શિવસેના કૂણું પડયું છે અને જો શિવસૈનિકોના વિરોધને લીધે કિરીટભાઈને ટિકિટ ન મળે તો ભાજપનું ખોટું દેખાય. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાપ્રમુખને સમજાવી દેશે.
અહીં ઉલ્લેખનીય છે કે જાલનામાં ભાજપના પ્રદેશપ્રમુખ રાવસાહેબ દાનવેને શિવસેનાના ખોતકરનો વિરોધ હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ખોતકરને કહી દીધું છે કે તમને જાલનામાંથી ટિકિટ નહીં મળે. હવે એમ સંભળાય છે કે મિનિસ્ટર મિલિન્દ ખોતકર કૉંગ્રેસની ટિકિટ પર જાલનામાં દાનવે સામે લડવા વિચારી રહ્યા છે.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer