કૉંગ્રેસપ્રમુખ પર ભાજપનો પલટવાર

કૉંગ્રેસપ્રમુખ પર ભાજપનો પલટવાર
`રાહુલ, મસૂદ અઝહર અંગેની ચીનની નીતિથી તમે ખુશ છો?': રવિશંકર પ્રસાદ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 14: ભાજપે જૈશ એ મોહમ્મદના ખૂનખાર આતંકવાદી અને તેના સરદાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં ચીન દ્વારા અવરોધ ઊભા કરવાની બાબતમાં કૉંગ્રેસની ભૂમિકા અને અલગ વલણ અપનાવવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે આ મામલામાં સમગ્ર ભારતને પીડા થઈ રહી છે ત્યારે બીજી તરફ તમને ખુશી શા માટે થાય છે ?
ભાજપના  મુખ્યાલયમાં  કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આજે પત્રકારોને સંબોધતાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી પર નિશાન સાધતા સવાલ કર્યો હતો કે ખૂનખાર આતંકવાદી મસૂદ અઝહરને લઈને ચીનની જૂની નીતિ પર તમે ખુશ છો ? રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં એવું ટ્વીટ કર્યું હતું કે વડા પ્રધાન મોદી ચીનથી ડરી ગયા છે, તેમણે ચીનના વલણ અંગે એક શબ્દ પણ કહ્યો નથી. રાહુલ ગાંધીના આ ટ્વીટ પર પાકિસ્તાનમાં આનંદનું વાતાવરણ ઊભું થયું છે.
પ્રસાદે જણાવ્યું હતું કે, એક હત્યારાને  વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ચીને ફરી એક વાર અવરોધ ઊભો કર્યો છે. આ વખતે આ પ્રસ્તાવ અમેરિકા, બ્રિટન અને  ફ્રાંસ લાવ્યા હતા અને અન્ય દેશોએ તેને ટેકો આપ્યો હતો. અગાઉ ભારત પણ પોતાની રીતે આ કોશિષ કરતું રહ્યું છે. આ ત્રણ દેશો આ પ્રસ્તાવ લાવ્યા એ ભારતની કુટનીતિક જીત છે. રાહુલ ગાંધીએ મસૂદ અઝહરના મામલે ચીનના વલણ પર વડા પ્રધાન મોદીની ચીન સંબંધી કુટનીતિ પર નિશાન સાધ્યું હતું. પ્રસાદે વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ પર હુમલો કરતાં પહેલાં કૉંગ્રેસપ્રમુખે પોતાની વિરાસત જોવી જોઈએ. તેમણે કૉંગ્રેસના નેતા શશી થરૂરના એક પુસ્તકને ટાંકીને જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નહેરુને કારણે ચીન યુનોનું કાયમી સભ્ય બન્યું છે. નહેરુની આ ભૂલની સજા આજે આપણે ભોગવી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કંઈ પણ કહેતા પહેલાં આગળ પાછળનો વિચાર કરવો જોઈએ.
પ્રસાદે જણાવ્યું હતું કે, 2009માં યુપીએની સરકાર વખતે ચીને યુનોમાં આવું જ વલણ અપનાવ્યું હતું ત્યારે તમે ટ્વીટ કર્યું હતું ? તમારા તો ચીન સાથે સારા સંબંધો છે તો તમે આ મામલામાં ચીનને સમજાવી જુઓ, એમ પ્રસાદે વધુમાં જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer