ફૂટબોર્ડ પર પ્રવાસ કરનારને જેલ અથવા 500નો દંડ થશે

ફૂટબોર્ડ પર પ્રવાસ કરનારને જેલ અથવા 500નો દંડ થશે
મુંબઈ, તા. 14 : પરાંની ટ્રેનમાં ફૂટબોર્ડ પર ઊભા રહી મુસાફરી કરનારા સામે હવે દંડનાત્મક પગલાં લેવાશે. જેમાં ખાસ તો મધ્ય રેલવે (સીઆર)એ આ રીતે મુસાફરી કરનારાઓ સામે લાલ આંખ કાઢી છે. ફૂટબોર્ડ પર ઊભા રહી મુસાફરી કરતા ઘણીવાર ટ્રેનમાંથી નીચે પડી જવાના કિસ્સા અનેક વેળા બનતા રહ્યા છે.
રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીપી)ના અધિકારીઓની ટીમ ગિરદીથી ભરેલી ટ્રેનોમાં મુસાફરી કરીને ફૂટબોર્ડ પર ઊભા રહી ટ્રેનમાં ચઢનાર કે ઊતરનારા પ્રવાસીઓ માટે અડચણો ઊભાં કરનારા એવા મુસાફરોને ચેતવશે. આ ઉપરાંત રેલવે ટ્રેક ઓળંગનારાઓને અટકાવવા ``બાઉન્ડ્રી વૉલ'' ઊભી કરાશે. આમ ટ્રેનમાંથી પડી મૃત્યુ પામનારાંની સંખ્યા ઘટાડવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આવા મુસાફરોને ચેતવ્યા પછી બીજાં પગલાંરૂપે  રોજ ફૂટબોર્ડ પર ઊભા રહી મુસાફરી કરનારા સામે અમે કાનૂની કાર્યવાહી કરશું એમ મધ્ય રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કે. કે. અસરફે જણાવ્યું હતું.
રેલવેના જણાવ્યા મુજબ 2018માં મુંબઈની પરાંની ટ્રેનોમાંથી 711 વ્યક્તિઓ નીચે પડી મૃત્યુ પામી હતી. હવે આરપીએફની ટીમ આવાં ફૂટબોર્ડ પર પ્રવાસ કરતા મુસાફરો સામે કાનૂની કાર્યવાહી કરશે અને આ હેઠળ પકડાયેલા સામે રેલવે એક્ટની કલમ 156 હેઠળ કામ ચલાવાશે. જેમાં આવા મુસાફરોને ત્રણ મહિનાની જેલ અથવા રૂા. 500નો દંડ થઈ શકે છે. વિભાગીય રેલવેએ રેલવે ટ્રેક ઓળંગી ચાલતા પેસેન્જરોને પણ દંડ કરવાનું શરૂ કરી દીધું છે. રોજની આવી 150 વ્યક્તિઓને દંડ કરવામાં આવી રહ્યો છે. આથી હવે આવા કિસ્સાઓની સંખ્યા ઘટી રહી છે. પાટા ઓળંગનારાને અટકાવવા 41 કિ.મી.ની બાઉન્ડ્રી વૉલ પણ બાંધવામાં આવી છે. જ્યાં અકસ્માતના વધુ કિસ્સા બને છે તેવી વૉલ ઓળખી કઢાઈ છે. આવી 139 જગ્યા પર તે બંધાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer