જળાશયોમાં માત્ર 34 ટકા પાણીનો સંગ્રહ : મુંબઈમાં 15 ટકા પાણીકાપની શક્યતા

જળાશયોમાં માત્ર 34 ટકા પાણીનો  સંગ્રહ :  મુંબઈમાં 15 ટકા પાણીકાપની શક્યતા
મુંબઈ, તા. 14 : ચોમાસાને હજી ત્રણ મહિનાની વાર છે અને જળાશયોમાં પાણીની સપાટી તળિયે પહોંચી ગઈ છે. કેટલાંક જળાશયોમાં અનામત રાખવામાં આવેલું પાણી ઉલેચીને મુંબઈગરાને પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે એવી શક્યતા છે. જળાશયોમાં ફક્ત 34 ટકા જ પાણી બાકી રહ્યું હોવાથી કેટલાક વિસ્તારોમાં પાણીટંચાઈનો સામનો કરવો પડે છે. આ જ કારણસર મુંબઈગરાએ ઉનાળામાં પાંચ ટકા પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે એવો સંકેત પાલિકાએ આપ્યો છે. 
ચોમાસામાં પાછોતરો વરસાદ ઓછો પડયો હોવાથી તળાવોમાં 2018ની પહેલી અૉક્ટોબરે 15 ટકા પાણી ઓછું ભેગું થયું હતું એથી 15 નવેમ્બરથી પાલિકા પ્રશાસને આખા મુંબઈમાં સરેરાશ 10 ટકા પાણીકાપ લાગુ કર્યો છે, પરંતુ નવેમ્બર-ડિસેમ્બરમાં નગરસેવકો તરફથી પાણીની ફરિયાદ સતત વધી રહી છે. અનેક વિસ્તારોમાં પાણીનું દબાણ ઓછું હોવાથી નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી છે છતાં શિયાળો લંબાતાં પાણીનો વપરાશ થોડો ઓછો થયો છે, પણ ઉનાળો શરૂ થઊં પાણીની માગણી વધી છે અને જળાશયોમાં દિવસે-દિવસે પાણીની સપાટી નીચે જઈ રહી છે. 
જળાશયોમાં અત્યારે 34 ટકા જ પાણી બચ્યું છે. સાયન, પ્રતીક્ષાનગર જેવા વિસ્તારોમાં પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં છે. ભલે પ્રશાસન 10 ટકા પાણીકાપ લાગુ હોવાનું કહે છે, પણ આ કાપ 30થી 40 ટકા હોવાની શંકા વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ કરી છે તેમ જ મોહમ્મદ અલી રોડ `બી' વિભાગની હદમાં રહેતા રહેવાસીઓએ પાણીકાપનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ સપાના ગટનેતા રઈસ શેખે કરી છે. 
ગયા વર્ષે સારો વરસાદ પડયો હોવાથી જળાશયોમાં માર્ચ મહિનામાં 60 લાખ લિટર પાણીપુરવઠો હતો, જ્યારે આ વર્ષે પાણીની સપાટી બહુ ઓછી હતી. ઉનાળામાં બાષ્પીભવન થવાથી પાણીનું પ્રમાણ વધુ ઓછું થાય એવી શક્યતા છે. અત્યારે પણ મુંબઈમાં માગણી કરતાં પુરવઠો ઓછો છે. મુંબઈમાં વર્ષભર પાણી પૂરું પડી રહે એ માટે જળાશયોમાં પહેલી અૉક્ટોબરે આશરે 140 લાખ લિટર પાણી હોવું જરૂરી છે. 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer