સોનિયા ગાંધીના વિશ્વાસુ અને કૉંગ્રેસના પીઢ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા

સોનિયા ગાંધીના વિશ્વાસુ અને કૉંગ્રેસના પીઢ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 14 : કૉંગ્રેસ પાર્ટી આજે એ સમયે કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી જ્યારે કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના નજીકના નેતા અને પક્ષના રાષ્ટ્રીય સચિવ તથા પ્રવક્તા ટોમ વડક્કન ભાજપમાં જોડાઈ ગયા હતા.
ભાજપ મુખ્યાલયમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટોમ વડક્કનને ભાજપના ચૂંટણી પ્રતીક કમળવાળી ખેસ પહેરાવી હતી અને સભ્યપદ આપ્યું હતું.
ભાજપમાં જોડાયેલા વડક્કને જણાવ્યું હતું કે, પુલવામા હુમલા બાદ ભારતીય હવાઈ દળની ઍર સ્ટ્રાઈક અંગે કૉંગ્રેસની પ્રતિક્રિયા નિરાશાજનક હતી. આ પ્રતિક્રિયા દુ:ખદ હતી. તેઓ કૉંગ્રેસની આંતરિક પરિસ્થિતિથી ખિન્ન હતા જ્યાં એ સ્પષ્ટ નથી કે સત્તાના કેન્દ્રમાં કોણ છે.
વડક્કને જણાવ્યું હતું કે, કૉંગ્રેસ સશત્ર દળોની ઈમાનદારી સામે સવાલ ઉઠાવી રહી છે. મેં ભારે હૃદયે પાર્ટી છોડી છે. રાહુલ ગાંધી વાપરો અને ફેંકોની નીતિ અપનાવી રહ્યા છે.
`કૉંગ્રેસમાં વંશવાદી રાજકારણ ચાલે છે અને મને નરેન્દ્ર મોદીના વિકાસમાં પૂરો ભરોસો છે' એમ વડક્કને વધુમાં જણાવ્યું હતું.
વડક્કનને લોકસભાની ચૂંટણીમાં કેરળની કોઈ બેઠક પરથી લડાવવામાં આવે એવી વકી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer