ચીન સામે ઊભા રહેવાની વડા પ્રધાનમાં હિંમત નથી : કૉંગ્રેસ

ચીન સામે ઊભા રહેવાની વડા પ્રધાનમાં હિંમત નથી : કૉંગ્રેસ
મસૂદ પર ચીનના વિટો માટે મોદી સરકાર જવાબદાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : કૉંગ્રેસના પ્રવકતાઓ રણદીપ સિંહ સૂરજેવાલા અને  શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ચીનની સામે ઊભા રહેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હિંમત નથી. સતત ચોથી વાર ચીને જૈશ એ મોહંમદના સરદાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં અવરોધ ઊભો કર્યો તે સંબંધમાં તેમણે આ ટિપ્પણી કરી હતી.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ભાજપ પંડિત જવાહરલાલ નહેરુને દોષી ગણાવે છે, પરંતુ મોદીની નીતિઓના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. નહેરુએ ચીનને યુનોની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ ભેટ અપાવવામાં મદદ કરી હતી એવી કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદની ટિપ્પણીનો સૂરજેવાલા જવાબ આપી રહ્યા હતા. સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, યુએનએસસીની સ્થાપના 1945માં થઈ હતી અને ભારત 1947માં આઝાદ થયું હતું. 1945થી આ તારીખ સુધીમાં કોઈ નવા દેશને યુએનએસસીમાં સમાવાયો નહોતો, જ્યારે પંડિત નહેરુને યુએનએસસીના સભ્યપદ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતને આવી કોઈ સત્તાવાર કે બિનસત્તાવાર અૉફર થઈ નહોતી. `ચાર્ટરમાં સુધારો કર્યા વિના કોઈ ફેરફાર કરી શકાતો નથી' એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું.
ચીને ચોથી વાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં અવરોધ ઊભો કરતાં આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને મોટો ફટકો પડયો છે અને પાકિસ્તાન કે જ્યાં આતંકવાદીઓનો ઉછેર થાય છે તેનું એક સાથી રાષ્ટ્ર ચીન છે, એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
`વર્તમાન સ્થિતિ પણ નબળી અને પંગુ મોદી સરકારને કારણે ઊભી થઈ છે. છેલ્લાં પાંચ વર્ષથી ચીન તરફ આ સરકાર ઢળતી આવી છે અને તેને કારણે આજે એવી સ્થિતિ પેદા થઈ છે જેમાં ચીન તેના સાથી પાકિસ્તાનને ખુશ કરવા તેનો વિટો વાપરી રહ્યંy છે', એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
શું મોદી રાષ્ટ્રને જવાબ આપશે કે, ભારતનાં હિતો સાથે વારંવાર સમાધાન થતું રહ્યું છે ત્યારે તેઓ `મૌન મોદી' શા માટે બની ગયા છે ? ડોકલામ ખાતે સંપૂર્ણ કક્ષાનું લશ્કરી સંકુલ ચીન બાંધી રહ્યું છે તેના પર મોદીની ચુપકિદી સામે સૂરજેવાલાએ સવાલ કર્યો હતો.
ચીને દક્ષિણ ડોકલામમાંથી સિલિગુરી કોરિડોરમાં ઘૂસણખોરી કરી છે, તેણે ચાયના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બાંધ્યો છે. ચીન અરુણાચલ સરહદે ખાણકામ કરી રહ્યું છે અને ટનલો બાંધવાના પ્રયાસો કરી રહ્યું છે, તેણે સિક્કિમ નજીક પોતાનું હવાઈમથક અપગ્રેડ કર્યું છે, તેણે ન્યુક્લિયર સપ્લાઈઝ ગ્રુપમાં ભારતના પ્રવેશને રોકયો છે, પરંતુ આપણા વડા પ્રધાન હંમેશાં મૌન રાખીને બેઠા છે, એમ સૂરજેવાલાએ વધુમાં ઉમેર્યું હતું.
વડા પ્રધાન પર પ્રહાર કરતાં કૉંગ્રેસે ગુરુવારે જણાવ્યું હતું કે, ચીનના માલની આયાત રૂપિયા 50 હજાર કરોડમાંથી વધીને રૂપિયા 70 હજાર કરોડની થઈ ગઈ છે તો શું મોદી `મેડ ઈન ચાયના'ને પ્રોત્સાહન આપી રહ્યા છે ? એવો સવાલ સૂરજેવાલાએ કર્યો હતો.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, શું વડા પ્રધાન `મેડ ઈન ચાયના'ને પ્રમોટ કરી રહ્યા છે કે `મેઇક ઇન ઇન્ડિયા'ને કરી રહ્યા છે ?
એમપીએલએડીના ફંડના ગેરઉપયોગ માટે સ્મૃતિ ઈરાનીને પદભ્રષ્ટ કરો : કૉંગ્રેસ
ટેન્ડર વગર એમપીએલએડીના રૂપિયા 6 કરોડની ચુકવણી કરવા માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર તહોમત મૂકતા કૅગના રિપોર્ટને ટાંકીને કૉંગ્રેસે આજે સ્મૃતિ ઈરાનીને હોદ્દા પરથી પદભ્રષ્ટ કરવાની અને તેમની સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી.
`ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ યોગ્ય તપાસ માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને પદભ્રષ્ટ કરવાનો અને તેમની સામે એફઆઈઆર નોંધવાનો સમય હવે આવી ગયો છે' એમ કૉંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું.
`આ તો હોદ્દાનો દુરુપયોગ અને જાહેર જનતાનાં નાણાંની ઉચાપતનો સ્પષ્ટ કેસ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનીને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવી જોઈએ,' એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
કૅગના રિપોર્ટમાં ઈરાની પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ટેન્ડર બહાર પાડયા વિના એક એનજીઓને એમપીએલએડી હેઠળ કામ સોંપવામાં આવ્યું હતું અને તેને કારણે રૂપિયા 5.93 કરોડની અનિયમિત ચુકવણી થઈ હતી, જેમાં એનજીઓને રૂપિયા 84.53 લાખની ચુકવણી દગાપૂર્વક કરવામાં આવી હતી.
કેન્દ્રીય ટેકસ્ટાઈલ પ્રધાન ઈરાનીએ એમપીએલએડી સ્કીમ હેઠળ કામના અમલ માટે નોડલ ડિસ્ટ્રિક્ટ તરીકે આણંદ જિલ્લાની પસંદગી કરી હતી. એનજીઓ શારદા મજૂર કામદાર કો-અૉપરેટિવ સોસાયટીની પસંદગી સ્કીમની માર્ગદર્શિકા અને સૂચનોની વિરોધમાં હતી અને પસંદગી માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા પાળવામાં આવી નહોતી, એમ કૅગના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.
ગુજરાતની ભાજપ સરકારને આ બાબતની જાણ કરતાં કૅગે આ એનજીઓનાં તમામ કાર્યોની તપાસ કરવાની ભલામણ કરી હતી.
કૉંગ્રેસના ગુજરાતના વિધાનસભ્ય અને પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઈરાની દ્વારા પસંદ કરાયેલો એનજીઓ બાંધકામ મજૂરોની સહકારી મંડળી હોવાનું મનાય  છે, પરંતુ હકીકતમાં સભ્યો ભાજપના છે.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer