હોળાષ્ટકમાં હોનારત, એક વર્ષમાં બીજો પુલ તૂટયો

હોળાષ્ટકમાં હોનારત, એક વર્ષમાં બીજો પુલ તૂટયો
આ બ્રિજ કોનો? : બીએમસી અને રેલવે એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : આ બ્રિજ કોનો છે એ વિશે પણ વિવાદ થયો છે. દક્ષિણ મુંબઈના શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું હતું કે આ બ્રિજ રેલવેની માલિકીનો છે, પણ રેલવેએ એવો ખુલાસો કર્યો હતો કે આ બ્રિજ અમારો નહીં પણ બીએમસીનો છે.
સૂત્રોએ કહ્યું હતું કે જો આ બ્રિજ બીએમસીનો ન હોય તો એણે સેફટી ઓડિટ શા માટે કરાવ્યું હતું?
આ બ્રિજનું સેફટી ઓડિટ ક્યારે થયું એ વિશે પણ સ્પષ્ટતા મળી ન હતી. બ્રિજને નજીવા રિપેરની જરૂર છે એની જાણ હોવા છતાં શા માટે એ હાથ ધરવામાં આવ્યું નહોતું અને રિપેર સુધી બ્રિજ બંધ કેમ ન કરાયો એ પ્રશ્ન પણ સૂત્રોએ ઉપાડયો છે.
ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે દોષિત અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરાશે. આ પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની મદદ અપાશે. ઇજાગ્રસ્તોને તબીબી સહાય આપવામાં આવશે, એમ ફડણવીસે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ફડણવીસની સૂચનાને પગલે હું મારા મતવિસ્તાર જતા અધવચ્ચેથી પાછો ફર્યો હતો. આ સ્થળે પુલ મોડી સાંજે 7.20 વાગે તૂટી પડયો હતો. પોલીસ 7.25 વાગે અને અગ્નિશમન દળ 7.28 વાગે પહોંચ્યું હતું. આ અંગે મેં પાલિકા આયુક્ત અજોય મેહતા,  મધ્ય રેલવેના ડિવિઝનલ જનરલ મૅનેજર શર્મા અને સહ-પોલીસ આયુક્ત દેવેન ભારતી સાથે વાત કરી છે. આ પુલ 100 ટકા જોખમી નહોતો. તેમાં નજીવા સમારકામની આવશ્યકતા હતી. તેના માટે પુલને બંધ રાખવાની જરૂર હતી કે કેમ તે વિશેની તપાસ પાલિકા અને રેલવે તંત્ર કરશે, એમ તાવડેએ ઉમેર્યું હતું.
પુલ તૂટયો ત્યારે પુલ નીચે એક ટૅક્સી ઊભી હતી. આ ટૅક્સની અંદર કોઈ ન હોતું. ટૅક્સીનો કૂચો થઈ ગયો હતો. ટૅક્સી ટ્રાઈવરે કહ્યું હતું કે રેડ સિગ્નલને કારણે વાહનો પુલ નીચે ન હતાં. મેં ઉપરથી બધાને પડતા પણ જોયા હતા.
રેસ્કયુ અૉપરેશન માટે અંધેરીથી એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
જી. ટી. હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિકાસ મેનદાદે કહ્યું હતું કે બે વ્યક્તિઓને મૃત અવસ્થામાં હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી.  જ્યારે જી. ટી.માં 25 ઘાયલોને દાખલ કરાયા છે.
પુલના કાટમાળને હટાવવાનું કામ શરૂઆતમાં ફાયરબ્રિગેડ જવાનો હાથથી કરતા હતા, પણ થોડી વાર બાદ જેસીબી મશીનને ઘટનાસ્થળે લાવવામાં આવ્યાં હતાં.
મુંબઈ મહાપાલિકાના ચીફ એન્જિનિયર સંજય દરાડેએ કહ્યું હતું કે આ બ્રિજનું ઓડિટ થયું છે અને હવે આ દુર્ઘટના માટે જે લોકો જવાબદાર છે તેમની સામે પગલા લેવામાં આવશે.
આ પુલ મુંબઈ મહાનગરપાલિકાનો છે કે કેમ એ હજી સ્પષ્ટ થયું નથી. આ બ્રિજ 100 વર્ષથી વધુ જૂનો હોવાનું કહેવાય છે. સ્થાનિક નગરસેવક સુજાતા સાનપે આ બ્રિજની જોખમી હાલત વિશે પાલિકાને પત્ર પણ ત્રણેક વર્ષ પહેલાં આપ્યો હતો, પણ એ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
બ્રિજ નીચે પડયો ત્યારે અમુક મહિલાઓ નીચેથી પસાર થઈ રહી હતી. બ્રિજનો સ્લેબ તેમના પર પડયો હતો. કહેવાય છે કે એક મહિલાના હાથમાં બાળક પણ હતું.
બ્રિજની પાડોશમાં આવેલા અંજુમન ઇસ્લામ સ્કૂલના વોચમેન મુન્નીલાલ જયસ્વાલને નજીવી ઇજા થઈ હતી. જી. ટી. હૉસ્પિટલનો કર્મચારી વિજય ભાગવત (35) ડયૂટી બજાવવા હૉસ્પિટલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ બ્રિજ પડયો હતો અને તે પણ ઘાયલ થયો હતો.
બ્રિજ તૂટતાં અમુક લોકો નીચે પડયા હતા અને તેમની અૉફિસ બેગ બ્રિજ પર લટકી પડી હતી. બ્રિજ તૂટયો ત્યારે 15-16 જણ બ્રિજ પર હતા.
મુંબઈમાં આ પૂર્વે સપ્ટેમ્બર, 2017માં એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનના બ્રિજ ઉપર થયેલી ધક્કામુક્કીમાં અનેક પ્રવાસીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં. બાદમાં ગત ત્રીજી જુલાઈના સવારે અંધેરી સ્ટેશનની દક્ષિણે ઓવલો પુલ તૂટી પડતાં કેટલાક લોકોનાં મરણ નીપજ્યાં હતાં. ત્યાર પછી પુલ સાથે સંકળાયેલી આ ત્રીજી દુર્ઘટના બની છે. ગત જુલાઈમાં દુર્ઘટના પછી મહાપાલિકાએ આખા મુંબઈના બધા બ્રિજનું ઓડિટ કર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer