દુર્ઘટનાની જવાબદારી સાંજ સુધીમાં નક્કી કરો : મુખ્ય પ્રધાનનો આદેશ

દુર્ઘટનાની જવાબદારી સાંજ સુધીમાં નક્કી કરો : મુખ્ય પ્રધાનનો આદેશ
મુંબઈ, તા. 15 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં જઈને પુલ દુર્ઘટનામાં ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતા. આ પછી તેમણે સ્ટ્રક્ચરલ ઓડિટ કરવા છતાં આવા પ્રકારની દુર્ઘટના બનવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી અને આ દુર્ઘટનાની જવાબદારી નક્કી કરીને સાંજ સુધીમાં કાર્યવાહી કરવાનો આદેશ પાલિકા આયુક્તને આપ્યો હોવાનું જાણવા મળે છે. આ પરથી લાગે છે કે પુલ દુર્ઘટના સંદર્ભમાં આજે મોડી રાત કે કાલ સવાર સુધીમાં જવાબદારોની ધરપકડ થશે. 
સીએસએમટી ફૂટઓવર બ્રિજની ગઈકાલે બનેલી હોનારતના ટૂંક સમય બાદ જોઈન્ટ કમિશનર અૉફ પોલીસ (લૉ ઍન્ડ અૉર્ડર) દેવેન ભારતીયે જણાવ્યું છે કે પોલીસે પાલિકા અને રેલવેના સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 304 (એ) હેઠળ બેદરકારીથી મૃત્યુ નીપજાવવાનો કેસ નોંધ્યો છે. તપાસ દરમિયાન કોઈ વધારાનાં તથ્યો બહાર આવશે તો વધુ કડક કારવાઈ કરાશે એમ તેમણે જણાવ્યું હતું. એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે તેમાં હત્યા નહીં, પરંતુ સદોષ મનુષ્યવધની કલમ પણ ઉમેરાઈ શકે છે. પુલની કોલમોનું વેલ્ડિંગ કાટ ખાઈ ગયેલું જણાયું હતું અને તેના કારણે આ હોનારત બની કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
આ દુર્ઘટનામાં છ જણનાં મૃત્યુ થયાં છે અને 31 જણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ગઈકાલે રાતથી તૂટેલા પુલનો કાટમાળ ખસેડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. સવારે ચાર વાગ્યા સુધી 13 ડંપર ડેબ્રીજ કાઢવામાં આવ્યા છે. પુલના સ્લેબ કાઢી નાખવામાં આવ્યાને લઈ પુલનું હવે `હાડપિંજર' જ રહ્યું છે. તે ક્યારે દૂર કરવું તેનો નિર્ણય હજી લેવાયો નથી. પુલનો ભાગ તૂટવાને લઈ સીએસટીથી ટાઈમ્સ અૉફ ઇન્ડિયા કાર્યાલય, અંજુમન ઈસ્લામ શાળાની દિશાએ આવવા જવા માટે રાહદારીઓ માટે પર્યાયી માર્ગ કરવામાં આવ્યો છે. રસ્તાની વચ્ચેના ડિવાઈડરનો કેટલોક ભાગ કાઢી નાખવામાં આવ્યો છે અને ત્યાં ઝેબ્રા ક્રોસિંગ તૈયાર કરવામાં આવશે. પુલથી નીચે જતાં બંને રસ્તાઓ આજે સવારે પણ બંધ રાખવામાં આવ્યા છે અને વાહનો બીજે વાળવામાં આવી રહ્યાં છે.
આ કારણે દક્ષિણ મુંબઈનો ટ્રાફિક ધીમેધીમે જામ થઈ રહ્યો છે અને દિવસ ચડતાં દક્ષિણ મુંબઈનો ટ્રાફિક ભારે જામ થઈ જાય એમ જણાય છે. ટ્રાફિક સરળતાથી ચાલે તે માટે ટ્રાફિક પોલીસ અને પાલિકા અધિકારીઓ જહેમત ઉઠાવી 
રહ્યા છે.
આ 30 વર્ષ જૂના પુલનો દરરોજ હજારો પ્રવાસીઓ ઉપયોગ કરે છે તે ધ્યાનમાં લેતાં સત્તાવાળાઓની બેદરકારી ગંભીર બાબત બને છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer