ક્રિકેટને ભયભીત કરતી આતંકી ઘટનાનો સિલસિલો

ક્રિકેટને ભયભીત કરતી આતંકી ઘટનાનો સિલસિલો
વર્ષ 2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમની બસ પર ગોળીબાર થયો હતો : 2002 અને 2008માં પણ પાકમાં આતંકી હુમલાથી કિવિ અને અૉસિ. ટીમે પ્રવાસ રદ કર્યા હતા: 1996ના વિશ્વ કપ દરમિયાન આતંકી હુમલાના ડરથી વિન્ડિઝ અને કાંગારું ટીમ શ્રીલંકા રમવા ગઈ ન હતી
 
નવી દિલ્હી તા.15:  ક્રાઇસ્ટચર્ચ ખાતે આંતકી હુમલાને લીધે ન્યુઝીલેન્ડ અને બંગલાદેશ વચ્ચેનો શનિવારથી શરૂ થનાર ત્રીજો ટેસ્ટ રદ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં બંગલાદેશની ટીમ બાલ બાલ બચી ગઇ છે. આ પહેલી એવી ઘટના નથી કે જેથી ક્રિકેટના મેચ રદ કરવા પડયા હોય. આ પહેલા આવી આતંકી ઘટનાને લીધે એકથી વધુ વખત મેચ રદ કરવા પડયા છે.
વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી. ત્યારે લાહોરના ગદાફી સ્ટેડિયમમાં પ્રેકટીસ માટે જતી હતી ત્યારે આતંકીઓએ તેમની બસ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં શ્રીલંકાના ખેલાડીઓ સંગકારા, સમરવીરા, લકમલ અને તિલન તુષારા સહિતના બીજા ખેલાડીઓને ઇજા પહોંચી હતી. આથી શ્રીલંકાએ તુરત જ પાક. પ્રવાસ અટકાવી દીધો હતો. આ ઘટનાને 10 વર્ષ વીતિ ગયા છે. આ પછી પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાતું બંધ થઇ ગયું છે.
માર્ચ 2008માં પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે તેમનો પ્રવાસ રદ કરી દીધો હતો. આ પછી આઇસીસીએ ઓગસ્ટમાં પાક.માં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટાળી દીધું હતું. કારણ કે પાક. ટ્રોફીનું સહઆયોજક હતું.
વર્ષ 2002માં ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન ગઇ હતી. ત્યારે કરાચીની એક ફાઇવ સ્ટાર હોટેલ બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. હોટેલમાં ન્યુઝીલેન્ડની ટીમ હતી. હોટલની અંદર પણ આતંકીઓએ ગોળીબાર કર્યોં હતો. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ બચી ગઇ હતી. આ ઘટના પછી ન્યુઝીલેન્ડની ટીમે પાક. છોડી દીધુ હતું.
1996ના વિશ્વ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમે શ્રીલંકાની ધરતી પર લીગ મેચ રમવાનો ઇન્કાર કરી દીધો હતો. કારણ કે મેચના થોડા દિવસ પહેલા જ કોલંબોમાં બમ ધડાકામાં 80 લોકોના મૃત્યુ થયા હતા અને હજાર જેટલાને ઇજા થઇ હતી. શ્રીલંકામાં ડરની સ્થિતિનો હવાલો આપી બન્ને ટીમે મેચ રદ કર્યાં હતા. 
આ પછી 1992માં શ્રીલંકાના કોલંબોમાં હોટલ બહાર બોંબ ધડાકો થયો હતો. જેથી ન્યુઝીલેન્ડની ટીમ થથરી ગઇ હતી. ઘટના બાદ પ કિવિ ખેલાડી વતન પરત ફર્યાં હતા. આ પહેલા 1987માં કોલંબોમાં કાર વિસ્ફોટ બાદ ન્યુઝીલેન્ડની ટીમે ત્રણ ટેસ્ટની ટેસ્ટ શ્રેણી પડતી મુકીને દેશ પરત ફરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer