માર્ચ એન્ડમાં નાણાપ્રવાહિતાની ખેંચ તીવ્ર બનશે

માર્ચ એન્ડમાં નાણાપ્રવાહિતાની ખેંચ તીવ્ર બનશે
સિસ્ટમમાં રૂા. બે લાખ કરોડની  ખેંચ થવાની ધારણા

મુંબઈ, તા. 15 (એજન્સીસ ) : આગામી બે સપ્તાહોમાં ભારતીય અર્થતંત્રમાં રોકડ રકમની ભારે ખેંચ જોવા મળશે. જે રૂા. બે લાખ કરોડ સુધી થઈ શકે. બૅન્કિંગ વ્યવસ્થાથી નાણાપ્રવાહ મોટા પ્રમાણમાં ખેંચાઈ ગયો છે. એડવાન્સ ટૅક્સ અને જીએસટી રિફન્ડની ચુકવણી, ચૂંટણી પૂર્વે રોકડની વધતી માગ ધિરાણ અને ડિપોઝિટ વૃદ્ધિ વચ્ચેનો ગાળો વધવાથી નાણાભીડ વધી રહી છે. આથી રિઝર્વ બૅન્કને નાણાકીય પ્રવાહિતા સુધારવા મધ્યસ્થી કરવાની ફરજ પડશે, એમ સિનિયર અર્થશાત્રીઓ અને બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું.
અત્યારે નાણાકીય પ્રવાહિતા ખાધવાળી છે. તા. 13 માર્ચના ખાધ માત્ર રૂા. 31,200 કરોડની હતી. આ ખાધ આગામી બે સપ્તાહમાં વધી દૈનિક રૂા. 2 લાખ કરોડથી વધુની થઈ જવાની શક્યતા છે. તેમાં મોટો હિસ્સો ટૅક્સ રિફન્ડનો હશે.
આમાં રૂા. 1.3 લાખ કરોડથી રૂા. 1.5 લાખ કરોડનો પ્રવાહ-એડવાન્સ ટૅક્સ ચુકવણીમાં ખેંચાઈ જશે. બીજા રૂા. 90,000 કરોડ જીએસટી રિફન્ડ સ્વરૂપે ચૂકવવામાં જશે.
થાપણોના વૃદ્ધિ વિકાસદર અને ધિરાણ વૃદ્ધિદરમાં તફાવત તેમ જ ચૂંટણી પૂર્વે માર્કેટમાં રોકડ પ્રવાહમાં વધારો થવાથી સરકારી તિજોરીમાં રોકડની ખેંચ ઊભી થશે, એમ નિષ્ણાતો માને છે.
આ તમામ પરિબળોના કારણે માર્કેટમાં રોકડની તીવ્ર અછત જોવા મળશે, એમ અર્થશાત્રીઓ જણાવે છે. જોકે, અત્યારે બજારમાં નાણાંખેંચ સહ્ય સ્તરે ભલે હોય પણ આવનારા બેથી ત્રણ સપ્તાહમાં કાયમી અને તાત્કાલિક પરિબળોના કારણે નાણાંની તંગી વધુ તીવ્ર બનશે, એમ યશ બૅન્કના ચીફ ઇકોનોમિસ્ટ શુભદા રાવ જણાવે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer