મુંબઈના 186 પુલ જોખમી

છ મહિનામાં 50 પુલોનાં સમારકામને પરવાનગી

મુંબઈ, તા. 15 : મહાપાલિકાએ શહેરના 186 જેટલા પુલોમાંના 50 પુલોના સમારકામને છ મહિનામાં પૂરાં કરવાની પરવાનગી આપી છે. એ પુલોના સ્ટ્રક્ચરલ અૉડિટનો અહેવાલ પ્રશાસને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તૈયાર કર્યો હતો. એ કામ છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે.
રાયગડ જિલ્લાની મહાડમાં આવેલી સાવિત્રી નદી પરનો પુલ 2016માં તૂટી પડયા બાદ મુંબઈ મહાપાલિકાએ શહેરના જોખમી પુલોનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. મહાપાલિકાના 296 પુલોમાંથી 18 પુલ બંધ કરી દઈને નવા પુલ બાંધવાની જરૂર હોવાનું સર્વેક્ષણમાં જણાયું હતું. એમાં 10 પુલ વાહનો માટેના તથા આઠ રાહદારી પુલ હતા. એ અહેવાલ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મહાપાલિકાને સુપરત કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આશરે 50 પુલોના સમારકામને પાલિકાએ પરમિશન આપી છે.
મહાપાલિકા એ પુલોના સમારકામ માટે 73 કરોડ રૂપિયા ખર્ચવાની છે. જોકે એમાં દક્ષિણ મુંબઈના બ્રિટિશકાળના રેલવે-પુલોનો પણ સમાવેશ છે.
પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર, ગિરગામ ચોપાટીનો પુલ, કેમ્પ્સ કૉર્નર ફ્લાયઓવર, કૅનેડી બ્રિજ, બેલાસિસ રેલવે ઓવરબ્રિજ, રે રોડ રેલવે ઓવરબ્રિજ, જુહુ-તારા માર્ગ પરનો પુલ, ધોબીઘાટ મજાસ નાલા પુલ, લોખંડવાલા (અંધેરી) કૉમ્પ્લેક્સનો પુલ તથા કામત કલબ નજીકના પુલના સમારકામ માટે 31 કરોડ રૂપિયા; તો દાદર, માહિમના સાત પુલ માટે આઠ કરોડ 90 લાખ, કુર્લા-ગોવંડી, ચેમ્બુર, માનખુર્દના 18 પુલના સમારકામ માટે 17 કરોડ 18 લાખ રૂપિયા તેમ જ બાંદરાથી જોગેશ્વરી દરમિયાનના પુલોની સાથોસાથ બાંદરાના સ્કાયવૉકના સમારકામ માટે પાલિકા 15 કરોડ રૂપિયા ખર્ચવાની છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer