વોટ જોઈતા હોય તો માગણી પૂરી કરો

બોરીવલીના રહેવાસીઓએ રાજકારણીઓને આપ્યું અલ્ટિમેટમ, નહીંતર નોટાનું બટન દબાવવાની આપી ધમકી 
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : `સ્પીડબ્રેકરની ઊણપ, ગેરકાયદે ફેરિયાઓ, સાર્વજનિક સ્થળોએ મોબાઇલ ટાવર વગેરે મુશ્કેલીઓ આજની મોટી સમસ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં રાજકારણીઓ અને અધિકારીઓએ આ બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવવો જરૂરી છે' એવું ફલક ચીકુવાડી રેસિડન્ટ્સ વેલ્ફેર ઍસોસિયેશને બોરીવલી પાર્કની બહાર લગાડયું છે અને સંદેશો આપ્યો છે કે વોટ જોઈતા હોય તો અમારી માગણીઓ પૂરી કરવી જરૂરી છે. 
બોરીવલી-પશ્ચિમમાં ચીકુવાડી સૌથી મોટી હાઉસિંગ કૉલોની છે; જ્યાં 5000 કરતાં વધુ રહેવાસીઓ છે. રાજકારણીઓ દ્વારા જરૂરિયાતની માગણીઓ પૂરી ન થતી હોવાથી નાગરિકોએ તેમની માગણીઓનું બોર્ડ બનાવવાનું નક્કી કર્યું હતું. ચીકુવાડીના એક રહેવાસીએ કહ્યું હતું કે ચૂંટણી નજીક હોવાથી રાજકારણીઓ વોટ માગવા માટે આવે છે, પરંતુ અમારી સમસ્યા તરફ ધ્યાન જ નથી આપતા અને એટલે જ બૅનર દ્વારા અમે અમારી સમસ્યાઓને વાચા આપી છે. જે રાજકારણીઓ અમારી મુશ્કેલીઓનો ઉકેલ લાવશે તેમને જ વોટ આપીશું, નહીં તો નોટાનું બટન દબાવવામાં આવશે એવું અમે નક્કી કર્યું છે. રાજકારણીઓની લાપરવાહીનો વિરોધ કરવાનો અને મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનો આ એક સરળ અને સહેલો માર્ગ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer