દુર્ઘટનાગ્રસ્ત પુલનું અૉડિટિંગ કરનારી કંપનીને બ્લૅક લિસ્ટ કરાઈ, એફઆઇઆર પણ થશે

દુર્ઘટનાગ્રસ્ત પુલનું અૉડિટિંગ કરનારી કંપનીને બ્લૅક લિસ્ટ કરાઈ, એફઆઇઆર પણ થશે
મુંબઈ, તા. 15 : ગુરુવારે સાંજે પિક અવર્સમાં સીએસએમટીને જોડતા રાહદારી પુલના સ્ટ્રક્ચરલ અૉડિટિંગનું કામ પાલિકાએ પ્રો. ડી. ડી. દેસાઈની ઍસોસિયેટેડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઍન્ડ ઍનૅલિસિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સોંપ્યું હતું. કંપનીએ પુલોના કરેલા અૉડિટિંગના અહેવાલો પણ પાલિકાને સુપરત કરાયા હતા, અહેવાલમાં આ પુલને સલામત ગણાવાયો હતો અને સમારકામ સંબંધી કેટલીક ભલામણો કરાઈ હતી. આમ છતાં આ પુલ તૂટી પડયો અને 6 મુંબઈગરાઓનાં મૃત્યુ થયાં એના પગલે પાલિકાએ કંપનીને આપેલાં અૉડિટિંગનાં કામ પાછાં ખેંચી લેવા ઉપરાંત કંપનીને બ્લૅકલિસ્ટ કરવાની ભલામણ કરી છે. 
પાલિકાના દસ્તાવેજો પ્રમાણે સ્ટ્રક્ચરલ અૉડિટરે (કંપની) આ બ્રિજનાં તમામ જૉઇન્ટ્સ, ડિફ્લેક્શન્સ, ક્રૅક્સ, સ્પાલિંગ્સ સહિતના પાર્ટ્સ સારી સ્થિતિમાં હોવાનું જણાવ્યું હતું. આ પુલમાં વપરાયેલી સિમેન્ટ, લોખંડ અને કૉક્રીટ સહિતની સામગ્રીની 
સ્થિતિ પણ સારી છે તેમ જ સમગ્રતયા પુલ સલામત અને સારી સ્થિતિમાં હોવાનું કંપનીએ રિપોર્ટમાં જણાવ્યું હતું. 
પાલિકાનું માનવું છે કે કંપનીએ પુલના અૉડિટિંગનું કામ યોગ્ય રીતે નથી કર્યું એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. શહેરમાં છેલ્લાં બે વર્ષમાં અન્ય પુલોની દુર્ઘટનાઓ નોંધાઈ છે એથી આ અૉડિટ-રિપોર્ટમાં ખામી રહી ગયાનું તેમ જ કંપનીએ ઉતાવળે આ રિપોર્ટ આપી દીધાનું સ્પષ્ટ થયું છે.
પાલિકાએ કંપની સામે પગલાં લેવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે પ્રો. ડી. ડી. દેસાઈની આ કંપનીને તાત્કાલિક અસરથી પાલિકાની સ્ટ્રક્ચરલ અૉડાટિંગ કંપનીઓની પૅનલમાંથી દૂર કરાશે અને તેમને આપેલા કૉન્ટ્રેક્ટ પાછા ખેંચી લઈને બ્લૅકલિસ્ટ કરાશે અને રાજ્ય સરકારને પણ એની આ પૅનલમાંથી કંપનીને દૂર કરવાની સૂચના આપવામાં આવશે. આ કાર્યવાહી કરતાં પહેલાં કંપનીને કારણદર્શક નોટિસ ફટકારાશે અને તેમની પાસેથી પાછા લેવાયેલા કૉન્ટ્રેક્ટ પૅનલ પરની અન્ય કંપનીને ફાળવાશે.
આ પુલની જીવલેણ દુર્ઘટના બદલ કંપનીને જવાબદાર ગણાવીને ખોટો અને ઉતાવળિયો રિપોર્ટ તૈયાર કરવા બદલ તેમ જ બેદરકારી દાખવવાના કેસમાં કંપની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધાવાશે.
કંપનીને સમયાંતરે કરાતું પેમેન્ટ અટકાવી દેવામાં આવશે અને અગાઉ જે પેમેન્ટ કરેલાં છે એ પાછાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer