રાહુલ બે બેઠક ઉપરથી ચૂંટણી લડશે ?

રાહુલ બે બેઠક ઉપરથી ચૂંટણી લડશે ?
દક્ષિણ ભારતની કોઈ બેઠક પસંદ કરવામાં આવે તેવી શક્યતા 

નવીદિલ્હી, તા.15 : અમેઠીથી ત્રણવાર લોકસભા સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે બેઠકો ઉપર ચૂંટણી લડે તેવી સંભાવના જોવામાં આવે છે. અમેઠી સિવાય દક્ષિણ ભારતની કોઈ બેઠક ઉપરથી રાહુલ ચૂંટણી લડશે તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે. કોંગ્રેસનાં કાર્યકરો પણ રાહુલ અન્ય કોઈ બેઠક ઉપરથી પણ લડે તેવી માગણી કરી રહ્યા છે.
દક્ષિણ ભારતમાંથી રાહુલ ચૂંટણી લડશે તેવી અટકળો પૂર્વે એવો ક્યાસ પણ કાઢવામાં આવતો હતો કે તેઓ મહારાષ્ટ્રની નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની કોઈ સુરક્ષિત બેઠક ઉપરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
સૂત્રોનાં કહેવા મુજબ રાહુલ વધુ એક બેઠક ઉપરથી ચૂંટણી લડે તેની પાછળનું ગણિત એવું છે કે જો તેઓ અમેઠી સિવાયની બીજી કોઈ બેઠક લડે તો તેની આસપાસની બેઠકો ઉપર પણ કોંગ્રેસ તરફી માહોલ સર્જાઈ શકે છે. જો રાહુલ દક્ષિણ ભારત ઉપર પસંદગી ઉતારે તો હિન્દી પટ્ટીમાં જે નુકસાની દેખાય છે તેની ભરપાઈ કરવાની સ્થિતિમાં કોંગ્રેસ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બે બેઠકો ઉપરથી ચૂંટણી લડી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer