થાણે-મુંબઈ મેટ્રો દોડશે `મૉલ ટુ મૉલ''

થાણે-મુંબઈ મેટ્રો દોડશે `મૉલ ટુ મૉલ''
થાણેકરોને જોઈએ છે અંડરગ્રાઉન્ડ મેટ્રો

થાણે, તા. 15 : લાખો થાણેકર જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ મુંબઈ-થાણે મેટ્રોનું બાંધકામ પૂરજોશમાં ચાલુ છે અને આ મેટ્રોને `મૉલ ટુ મૉલ' વાળવાનાં ચક્રો ગતિમાન છે અને એ પ્રકારનો ડીપીઆર તૈયાર કરાયો હોવાની માહિતી મળી છે.
ભાંડુપનો ડ્રીમ્સ મૉલ, મુલુંડના મેગ્નેટ, નિર્મલ, લાઇફસ્ટાઇલ તેમ જ થાણેના ઇટર્નિટી, કોરમ, વિવિયાના, આર મૉલ એમ કુલ આઠ મૉલ્સની સામે મેટ્રોનાં સ્ટેશન આપવામાં આવનાર છે. જોકે, સામાન્ય થાણેકરોના મનમાં પ્રશ્ન એ થાય છે કે આ મેટ્રો સર્વસામાન્ય પ્રવાસીઓ માટે છે કે શોપર્સ માટે છે? વડાલા-કાસાર વડવલી મેટ્રો-4ની શરૂઆત થઈ છે અને કેટલાંક વર્ષમાં થાણેકરોનું મેટ્રોનું સપનું પૂરું થશે. જોકે, નાગરિકોને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો જોઈએ છે.
પ્રવાસીઓની સુવિધા માટે મુંબઈથી થાણે વચ્ચે 30 સ્ટેશન હશે. જેમાં 13 સ્ટેશન થાણે જિલ્લામાં અને 17 સ્ટેશન મુંબઈમાં હશે અને ભાંડુપથી થાણે શહેર સુધીનાં લગભગ 8 સ્ટેશનો મૉલની સામે બાંધવાની વિચારણા શરૂ છે.
દરમિયાન આ સંબંધમાં બે સ્વૈચ્છિક સંસ્થાઓએ એક સર્વેક્ષણ કર્યું હતું. જેમાં એક હજાર થાણેકરોનાં મંતવ્ય લેવામાં આવ્યાં હતાં. જેમાં મોટા ભાગના નાગરિકો `મૉલ ટુ મૉલ' મેટ્રો માટે રાજી ન હોવાનું તારણ નીકળ્યું હતું. બીજી તરફ `મ્યુસ' નામની આ સંસ્થાના સર્વેક્ષણમાં એવું પણ બહાર આવ્યું છે કે મેટ્રો-4ના બાંધકામને કારણે થાણેમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને પ્રદૂષણનો ત્રાસ પણ વધ્યો હોવાથી મોટા ભાગના નાગરિકો અંડરગ્રાઉન્ડ મેટ્રો ઇચ્છે છે.
લગભગ 79 ટકા નાગરિકોએ મેટ્રો અન્ડરગ્રાઉન્ડ હોવી જોઈએ એવું મંતવ્ય આપ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer