રહેવાસીઓને નરિમાન પૉઇન્ટ-વરલી કોસ્ટલ રોડને બદલે જોઈએ છે સી-લિન્ક

રહેવાસીઓને નરિમાન પૉઇન્ટ-વરલી કોસ્ટલ રોડને બદલે જોઈએ છે સી-લિન્ક
ખર્ચ ઓછો થશે અને પર્યાવરણને નુકસાન નહીં થાય

મુંબઈ, તા. 15 : બાંધકામનો ખર્ચ ઘટાડવા નરિમાન પૉઇન્ટથી વરલી સુધીના પ્રસ્તાવિત કોસ્ટલ રોડને બદલે સી-લિન્ક બાંધવાની માગણી સ્થાનિક રહેવાસીઓએ કરી છે. આ માટે તેમણે અૉનલાઇન અરજી તૈયાર કરી છે.
એક મહિનામાં 25 હજારથી વધુ નાગરિકોએ આ અરજીને ટેકો આપ્યો છે. એક લાખ લોકોનો ટેકો મળ્યા બાદ આ અરજી વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાનને મોકલવામાં આવશે.
નરિમાન પૉઇન્ટથી વરલી સુધીના 10 કિલોમીટરના કોસ્ટલ રોડ માટે 13,000 કરોડ રૂપિયા એટલે કે એક કિલોમીટર દીઠ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. તેની સરખામણીમાં બાંદ્રાથી વરસોવા સુધીના 17 કિલોમીટરના સી-લિન્ક માટે 7000 કરોડ રૂપિયા એટલે પ્રતિ કિલોમીટર માત્ર 411 કરોડ રૂપિયા ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ખર્ચ ઓછો આવે એ માટે કોસ્ટલ રોડ બાંધવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હકીકતમાં સી-લિન્ક કરતાં બમણો ખર્ચ આવશે.
કોસ્ટલ રોડ બાંધવા દરિયાકિનારે ભરણી કરવી પડે તેથી ખર્ચ વધી જાય. ભરણી કરતાં અટકતું પાણી બીજી તરફ જમીનમાં ઊતરી શકે. બેકબે વિસ્તાર આવી રીતે સમુદ્રમાં ભરણી કરીને બનાવાયો હતો. તેનું અનિષ્ટ પરિણામ વરસોવા પાસે જોવા મળે છે, એમ બ્રીચ કેન્ડીના રહેવાસી ડૉ. નિલેશ બક્ષીએ જણાવ્યું હતું.
સૂચિત કોસ્ટલ રોડ સામે સ્થાનિકોનો વિરોધ નથી, પરંતુ તેના કારણે પર્યાવરણનું ભારે નુકસાન થશે. આથી કોસ્ટલ રોડને બદલે સી-લિન્ક બાંધવાની માગણી માટે સિટિઝન ફોર રિસ્પોન્સીબલ ડેવલપમેન્ટ નામના સ્થાનિક રહેવાસીઓના સંગઠને અૉનલાઇન અરજી શરૂ કરી છે. એક મહિનામાં તેને 25 હજારથી વધુ નાગરિકોનો ટેકો મળી ચૂક્યો છે, એવું બક્ષીએ જણાવ્યું હતું.
સંસ્થાએ એવા સવાલ પણ કર્યા છે કે એક લાખ કરોડના મેટ્રો પ્રોજેક્ટ થઈ રહ્યા છે પછી કોસ્ટલ રોડની શી જરૂર છે? બેસ્ટ બસ સેવાને પ્રોત્સાહન આપવાને બદલે બે ટકા ખાનગી વાહનો માટે મહાપાલિકા 13,000 કરોડ રૂપિયા શા માટે ખર્ચ કરે છે? દરિયામાં 97 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ભરણી કર્યા બાદ તેની અસર અન્ય વિસ્તાર પર પડી શકે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer