બ્રિજ તૂટવાની દુર્ઘટના : મુંબઈ મહાપાલિકાના બે અધિકારી સસ્પેન્ડ

બ્રિજ તૂટવાની દુર્ઘટના : મુંબઈ મહાપાલિકાના બે અધિકારી સસ્પેન્ડ
બે નિવૃત્ત અધિકારીની પણ જાંચ થશે : આખો પુલ તોડી પડાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પાસે આવેલા પુલ દુર્ઘટના પ્રકરણે પાલિકાને મુખ્ય એન્જિનિયર એ.આર.પાટીલ અને સહાયક એન્જિનિયર એફ.એસ.કાકુળતેને પણ સસ્પેન્ડ કર્યા  છે. ગુરુવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં છ જણનાં મૃત્યુ થયાં હતાં અને 31 જણ જખમી થયા હતા. 
આ પ્રકરણમાં દોષી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કૉંગ્રેસ, મનસે અને અન્ય પક્ષોએ  કરી છે. પાટીલ અને કાકુળતેના  સસ્પેન્શન ઉપરાંત નિવૃત્ત મુખ્ય એન્જિનિયર એસ.ઓ. કોરી અને નિવૃત્ત ઉપમુખ્ય એન્જિનિયર આર.બી. તારેની તપાસ પણ કરવામાં આવશે. તેમ જ દેસાઈ ઍસોસિયેટસ નામની કંપનીએ જે જે પુલોના અૉડિટ કર્યા છે એ બધા પુલોનું ફરીથી અૉડિટ કરવામાં આવશે. 
દરમિયાન પુલના બાકીના ભાગનું તોડકામ શુક્રવારે રાત્રે પૂરું થયું હતું. જેસીબી અને અન્ય મશીનની મદદથી તોડકામ કરવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે દુર્ઘટના બાદ પુલનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.
કસાબ બ્રિજ દુર્ઘટનાનો મામલો મુંબઈ હાઈ કોર્ટમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ની બહારના ફૂટઓવર બ્રિજનો સ્લૅબ પડયાની ઘટના સંદર્ભે શુક્રવારે મુંબઈ હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
પ્રદીપ ભાલેકર વતી ઍડ્વોકેટ નીતિન સાતપુતેએ દાખલ કરેલી આ અરજી પર બાવીસમી માર્ચે સુનાવણી કરવાનું હાઈ કોર્ટે નિશ્ચિત કર્યું છે. ન્યાયમૂર્તિ રણજિત મોરે અને ભારતી ડાંગરેની ખંડપીઠ સમક્ષ આ અરજી રજૂ કરવામાં આવી હતી. એ સંદર્ભની વધુ એકાદ-બે અરજી દાખલ થવાની શક્યતા છે. ગુરુવારે બનેલી કરુણ ઘટનામાં 6 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, તો અન્ય 31 લોકોનાં હાથ-પગ-માથાં ભાંગ્યાં હતાં.
2017માં બનેલી એલ્ફિન્સ્ટનની ધક્કામુક્કીની દુર્ઘટના બાદ આ અરજી નોંધાવવામાં આવી હતી. એ ઘટનામાં ગૂંગળાઈને તથા દબાઈ જતાં 31 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. એ અરજીમાં મુંબઈભરના દરેક જોખમી પુલોનું સ્ટ્રક્ચરલ અૉડિટ કરાવવા માટે એક વિશિષ્ટ સમિતિ સ્થાપવાની માગણી કરવામાં આવી હતી અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભવિષ્યમાં `પુલ રેલવેનો કે પાલિકાનો?' એના વિખવાદમાં ન પડતાં બન્નેએ સાથે ભેગા મળીને કામ કરવાનું આપેલું આશ્વાસન હવામાં ઓગળી ગયું?

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer