13 ખખડધજ પુલો ત્રણ મહિનામાં તોડી પડાશે

13 ખખડધજ પુલો ત્રણ મહિનામાં તોડી પડાશે
મધ્ય-પશ્ચિમ રેલવેના
મુંબઈ, તા. 16 : પશ્ચિમ રેલવે (પ.રે.) અને મધ્ય રેલવે (મ.રે.) પર પ્લેટફોર્મને જોડનારા 13 ખખડધજ રાહદારી પુલોને 30 જૂન સુધીમાં તોડી પડાશે. આ નિર્ણય આઈઆઈટી-બી નિષ્ણાતો દ્વારા અૉડિટની ભલામણ પર લેવામાં આવ્યો હતો. આ પુલ વાંદરા, ખાર, લોઅર પરેલ, મલાડ, માહિમ, સાંતાક્રુઝ, ભાંડુપ, દીવા, વિક્રોલી, કુર્લા, માટુંગા અને શિવરીમાં આવેલા છે.
મ.રે. અને પ.રે.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે જોખમી જણાયેલા પુલો તોડી પાડવામાં આવ્યા છે અને તેમના પુનર્બાંધકામ માટે કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. પ.રે.ના સીપીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે `અમે 115 એફઓબી અને 29 આરઓબીનું અૉડિટ કર્યું છે. આઈઆઈટી-બીની ભલામણને આધારે લોઅર પરેલનો પુલ તોડી પડાયો હતો અને વધુ આઠ એફઓબી તબક્કાવાર રીતે તોડવામાં આવશે, ત્યાર બાદ અમે નવા પુલ બાંધીશું.'
સત્તાવાળાઓએ એવો દાવો કર્યો હતો કે કોઈ પણ સ્ટ્રક્ચરને `તાત્કાલિક તોડી પાડવાની' જરૂર નથી અને આગ્રહ સેવ્યો હતો કે ગુરુવારે બનેલી પુલ તૂટવાની હોનારતથી આ તમામ એફઓબીને તાત્કાલિક તોડી પાડવાનું અનિવાર્ય નથી. મ.રે.ના સીપીઆરઓ સુનીલ ઉદાસીએ જણાવ્યું હતું કે કુલ 299 સ્ટ્રક્ચર પૈકી 12 એફઓબી સહિત 23 પુલોનું અૉડિટ કરવાનું બાકી રહે છે. આ કામગીરી 31 માર્ચ સુધીમાં આટોપી લેવાશે. મ.રે.એ 30 જૂન પર્યંત પાંચ પુલ તોડી પાડવાના છે.
દાદર અને વિદ્યાવિહારના પુલો અંગે નાગરિકોએ ચિંતા વ્યક્ત કર્યાં બાદ રેલવે અધિકારીઓએ આ પુલોનું પણ નિરીક્ષણ કર્યું હતું. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે `આ પુલો આમ તો સલામત છે પરંતુ ફરિયાદો બાદ અમે તેમની સઘન તપાસ કરી હતી.'
દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકા પણ 14 જોખમી પુલો તોડી પાડવાની પ્રક્રિયામાં છે, જેમાંનો એક મરીન લાઈન્સ સ્ટેશનના દક્ષિણ છેડે આવેલો છે. `ગુરુવારની હોનારત બાદ મેં જોયું હતું કે આ પુલ સુધ્ધાં તદ્દન જર્જરિત અવસ્થામાં છે. મને આશા છે કે સત્તાવાળાઓ સીએસએમટી પુલની હોનારતથી વેળાસર જાગી જશે, એમ કાલબાદેવીના એક વેપારીએ જણાવ્યું હતું. તેવી જ રીતે મુલુંડના સામાજિક કાર્યકર સુનીલ ગંગવાનીએ જણાવ્યું હતું કે `મુલુંડ પૂર્વ-પશ્ચિમને જોડતો પુલ (એફઓબી) ચાર વર્ષ પૂર્વે તૂટી ગયો હતો અને તેની તપાસ યોજવામાં આવી હતી પરંતુ તેનો નિષ્કર્ષ શું આવ્યો તેની અમને ખબર પડી નથી.'

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer