ચીની માલ હવાલા વડે ભારતની સીમામાં પ્રવેશે છે : કેઈટ

ચીની માલ હવાલા વડે ભારતની સીમામાં પ્રવેશે છે : કેઈટ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 21 : કોન્ફડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ ઍસોસિયેશન કેઈટ દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારને પત્ર લખીને ચીનથી આયાત થતાં વિવિધ પ્રકારના માલ માટે કરાયેલાં વ્યવહારોની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. વેપારી સંગઠન કેઈટને આશંકા છે કે ચીનથી આયાત થતો માલસામાન હવાલાથી આવે છે. 
કેઈટનાં ગુજરાત ચેપ્ટરનાં પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, કેઈટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા, મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સહિતનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વેપારી સંગઠનની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. ચીનથી આયાત થતાં માલસામાન પાછળ થયેલાં આર્થિક વ્યવહારોમાં મોટું હવાલા કૌભાંડ છૂપાયેલું હોઈ શકે છે. 
આ મામલે કેઈટે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને ઉચ્ચ તપાસ કરવાની માગ કરી છે. આયાતકાર આઈજીએસટી ભરતા નથી. 
ચીનથી મોટાજથ્થામાં ટેક્સ્ટાઈલ પ્રોડકટ, ઈલેકટ્રોનિક્સ ગુડ્સ અને હેવી મશીનરી ભારતીય બજારમાં ઠલવાઈ રહ્યું છે.
 નિયમ મુજબ ચીનથી આયાત થતાં માલ પર આઈજીએસટી સહિતની ડયૂટી લાગુ પડે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર દર્શાવી રહ્યું છે. ચીનથી માલ અલગ આવે છે કે તેનાં પર નાણાકીય વ્યવહાર પણ કંઈક અલગ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે ભારતીય બંદરો પર આ મામલે ઝીણવટપૂર્વકની તપાસ ચલાવવાની જરૂર છે. ચોક્કસ તપાસ કરવામાં આવે તો ચીનથી આયાત થતાં માલસામાનનાં નાણાકીય વ્યવહાર પાછળ હવાલા કૌભાંડ બહાર આવી શકે તેમ છે. 
તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક આયાતકારો સાથે અધિકારીઓની પણ મિલિભગત હોઈ શકે છે. ચીન સાથે આપણે મોટો વેપાર કરી રહ્યા છીએ. જો આયાતકાર આયાતી માલસામાન પર આઈજીએસટી ભરે છે તો નિયમ મુજબ તેણે ઈન્પુટ ક્રેડિટનો દાવો કરીને રકમ પરત મેળવવી જોઈએ. પરંતુ, અમારા ધ્યાનમાં આવ્યું છે કે હવાલાથી નાણાંની હેરફેર કરનાર આયાતકારો નિયમ મુજબ ઈન્પુટ ક્રેડિટનો દાવો કરતાં નથી. 
તેનો મતલબ કે આ માલ ભારતીય બજારમાં કોઈપણ પ્રકારનાં બિલ વગર વેચાઈ રહ્યો છે. તેમ જ ચીનનો માલ ભારતીય બજારમાં સસ્તો વેચાઈ રહ્યો હોવાથી ઘરઆંગણાનાં બજારને પણ મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. 
વેપારી સંગઠન કેઈટે ચીનથી આવતા માલસામાનને ભારતીનાં આંતરિક સુરક્ષાના મામલા સાથે જોડી દીધું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારનો માલ બજારમાં ઠલવાઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આ મામલે ઝડપથી કોઈ તપાસ કમિટીની રચના કરે તેવી માગ કેઈટે કરી છે. 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer