બહેરીન ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું કૉસ્મિક હાર્ટ ગૅલરીએ

બહેરીન ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું કૉસ્મિક હાર્ટ ગૅલરીએ
બહેરીનમાં આર્ટ બહેરીન અક્રોસ બોર્ડ્સ (આર્ટ બીએબી) નામનો ઇન્ટરનેશનલ આર્ટ ફેર તાજેતરમાં યોજાયો હતો. આ ફેરનું આયોજન રાજકુમારી સબીકા બિન્ત ઇબ્રાહિમ અલ ખલીફાએ કર્યું હતું. તેઓ બહેરીનની સુપ્રીમ કાઉન્સિલ ફોર વિમેનના પ્રમુખ પણ છે. આર્ટ બીએબીનું આ ચોથું વર્ષ હતું અને તેમાં 11 દેશની 16 અગ્રણી આર્ટ ગેલેરીઓએ ભાગ લીધો હતો. ચિત્રકલા જગતના જાણીતા કલાકારો, નવીન સંકલ્પના તથા નવોદિત યુવા ચિત્રકારોની કલાને વિશ્વ સમક્ષ રજૂ કરવાના આશયથી આ આર્ટ ફેરનું આયોજન થયું છે. આર્જેન્ટિના, ફ્રાંસ, બેલ્જિયમ, ગ્રીસ અને બલ્ગેરિયા જેવા દેશોની 16 આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરીમાંથી ભારતનું પ્રતિનિધિત્વ મુંબઈની કૉસ્મિક હાર્ટ ગેલેરીએ કર્યું હતું. 
મિડલ ઇસ્ટના સૌથી યુવા અને મહત્ત્વાકાંક્ષી આર્ટ ફેરની આ વર્ષની થીમ `લીગસીસ' હતી. આમાં બહેરીનનાં રાજવીકુળની પચાસ વર્ષની કલાસાધનાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. બહેરીનના કલાકારો અને વિશ્વના અન્ય ચિત્રકારોના વાર્તાલાપના આધારે આર્ટબીએબીની રચના કરવામાં આવી હતી. ત્યાંના વર્તમાન રાજાના ઇતિહાસને પણ ચિત્રકલા મારફતે ઉજાગર કરવામાં આવ્યું હતું. આર્ટબીએબીના પ્રોગ્રામ ડિરેકટર કનિકા સબરવાલ હતા. 
કૉસ્મિક હાર્ટ ગેલેરીનાં સ્થાપક અને ક્રિએટિવ ડિરેકટર જલ્પા વિઠલાણીએ કહ્યું હતું કે, કૉસ્મિક હાર્ટ ગેલેરીનું કેન્દ્રબિંદુ કલા-સંસ્કૃતિનું આદાનપ્રદાન અને દૃષ્ટિબિંદુ સીમાડાઓ વગરની દુનિયા છે. અમારી ગેલેરીએ બહેરીનના આર્ટફેરમાં બે ભારતીય ચિત્રકાર નતાશા લલ્લા અને શૈલાન પારકરના ચિત્રો રજૂ કર્યાં હતાં. આર્ટમાં રહેલા મોનોક્રોમોમેટિક અને પોલિક્રોમેટિકના વિરોધાભાસને રજૂ કરવાનો તથા તે બંને જે આગવી કલા ધરાવે છે તેને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો હેતુ હતો.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer