ચૂંટણીની આચારસંહિતા નડી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી''ને?

ચૂંટણીની આચારસંહિતા નડી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી''ને?
હાલમાં બૉલીવૂડમાં જીવનચરિત્રા ધારિત ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. મોટે ભાગે તો રમતવીરો કે સૈનિકોના જીવન પર આધારિત ફિલ્મો બનાવવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડા મહિનાથી રાજકારણીઓ પર આધારિત ફિલ્મો બની રહી છે અને પ્રેક્ષકોમાં તે આકર્ષણ પણ જગાવી રહી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિત ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રજૂ થઇ હતી. ત્યાર બાદ શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેના જીવન પરની ફિલ્મ ઠાકરે બની હતી અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ 12 એપ્રિલે રજૂ થવાની હતી પરંતુ આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હવે તેને પાંચમી એપ્રિલે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનો વિરોધ વિરોધી રાજકીય પક્ષો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફિલ્મ વડા પ્રધાનના ચૂંટણી પ્રચારનું ગતકડું છે. નોંધનીય છે કે આમ કહેતી વેળા વિરોધપક્ષો ભૂલી જાય છે કે ગયા મહિને રૂપેશ પોલની ફિલ્મ માય નેમ ઇઝ રાગા પણ આવા જ વિવાદમાં અટવાઇ છે. આ ફિલ્મમાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જીવનના ઉતારચડાવની કથા છે.
ફિલ્મોને ચૂંટણીની આચારસંહિતા નડી શકે કે કેમ એવા સવાલના જવાબમાં કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે, ચૂંટણીની આચારસંહિતા માત્ર રાજકીય પક્ષોને લાગુ પડે છે. ફિલ્મમાં રહેલા રાજકીય પક્ષે  ફિલ્મ નિર્માતાને પૈસા આપીને ફિલ્મ બનાવડાવી હોય એવું પુરવાર થાય તો તે ફિલ્મને આચારસંહિતા નડી શકે, પરંતુ જો ફિલ્મ નિર્માતાએ સ્વતંત્ર રીતે ફિલ્મ બનાવી હોય અને રાજકીય પક્ષ સાથે નાણાંની લેવડદેવડ થયાનો પુરાવો ન હોય તો કશું થઇ શકે નહીં. 
વાસ્તવમાં તો લોકશાહીમાં નાગરિકે પોતાની વિવેક બુદ્ધિ તથા રાજકીય પક્ષે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને મત આપવાનો હોય છે. આથી તેણે રાજકારણી કે રાજકીય પક્ષ પર આધારિત ફિલ્મોના પ્રભાવમાં આવવું જોઇએ નહીં.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer