કચ્છી વીસા ઓસવાલ જૈન સમાજમાં સર્જાયેલો નાણાકીય ઝંઝાવાત ક્યારે શમશે?

ડિફોલ્ટરો સાથેની અનેક બેઠકોમાંથી `સહિયારું અભિયાન'એ શું તારણ કાઢયાં?
મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 21 : મુંબઈના કચ્છી વીસા ઓસવાલ જૈન સમાજમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાણાકીય ઝંઝાવાત સર્જાયો છે. સમાજના મધ્યમ વર્ગના હજારો લોકો, અનેક વરિષ્ઠ નાગરિકો, વિધવા મહિલાઓના પાંચ લાખથી માંડીને 25 લાખ રૂપિયાની જીવનભરની મૂડી ડિફોલ્ટર પાર્ટીઓ અને કેટલાક નાણાદલાલો પાસે ફસાઈ ગઈ છે. તેઓ સતત તાણ અને ચિંતામાં જીવી રહ્યા છે કે તેમને તેમની રકમ પરત ક્યારે અને કેટલી મળશે?
આવા સંજોગોમાં કચ્છી જૈન ફાઉન્ડેશન અને ક.વિ.ઓ. જૈન મહાજન પ્રાયોજિત `કચ્છી સહિયારું અભિયાન' હેઠળ ડિફોલ્ટર પાર્ટીઓ અને નાણાદલાલો પાસેથી લેણદારોની રકમની વસૂલાત કરવા જબરજસ્ત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનની ટીમ દ્વારા સપ્તાહમાં લગભગ ચાર વખત ફાઉન્ડેશનની સાયન અૉફિસ કે અન્ય ઠેકાણે બેઠકો યોજાઈ રહી છે. હજારોની સંખ્યામાં લેણદારો, 100 જેટલી ડિફોલ્ટર પાર્ટીઓ અને નાણાદલાલો સાથે મિટિંગો થઈ ગઈ છે.
અત્યાર સુધીની આ મિટિંગોનું એક તારણ સહિયારું અભિયાનની ટીમે કાઢયું છે. જેમાં એક મહત્ત્વનું તારણ એ જણાવાયું છે કે એક અંદાજ મુજબ ડિફોલ્ટ થયેલી કુલ રકમમાંથી લગભગ 50 ટકા રકમ પરત નહીં આવવાની ધારણા છે. આમ છતાં સમાજના મધ્યમ વર્ગના લોકોના પૂરા પૈસા મળી જશે એવી આશા પણ જન્મી છે.
આ ટીમના એક અગ્રણીએ `જન્મભૂમિ'ને આ માહિતી આપતા જણાવ્યું હતું કે અભિયાન દ્વારા ડિફોલ્ટર પાર્ટીઓને શાંતિથી સમજાવી, જરૂર જણાતાં કડક ભાષા વાપરી તથા સામાજિક બહિષ્કાર અને ગાંધીગીરીનો માર્ગ અપનાવવાની ચીમકી આપી સેટલમેન્ટ કરાવી રહ્યા છીએ અને તેમાં અમને સારી સફળતા મળી રહી છે.
કેટલાક કિસ્સાઓમાં ડિફોલ્ટરોએ ત્રણ વર્ષથી વ્યાજ ચૂકવ્યું નહોતું. તેમણે વ્યાજ આપવાની શરૂઆત કરી છે. કેટલીક પાર્ટીઓએ સામેથી ફોન કરીને ટૂંક સમયમાં રકમ પરત ચૂકવવાની પણ ખાતરી આપી છે. તેઓ પોતાની પ્રોપર્ટીઓ કે અન્ય માલ-મિલકતો વેચી રકમ ચૂકવવાની તૈયારી કરી રહ્યા છે.
અભિયાનના સભ્યો દ્વારા પણ કેટલાક અત્યંત જરૂરતમંદ લેણદારોને માનવતાની દૃષ્ટિએ રકમ આપવામાં આવી છે. નાણાં દલાલો પાસેથી પણ અમુક ટકા રકમ મેળવવાના પ્રયાસ ચાલુ છે. અમુક કિસ્સામાં 100 ટકા રકમ વ્યાજ સાથે મેળવવામાં સફળતા મળી છે.
શું છે ડિફોલ્ટર થવાનાં કારણ?
અભિયાનનની ટીમના જણાવ્યા અનુસાર કેટલાક ડિફોલ્ટરોએ વ્યાજે રકમ લઈને રિયલ એસ્ટેટમાં ગજા બહારનું રોકાણ કર્યું છે. પ્રોપર્ટી લાઈનમાં અનુભવ ન હોવા છતાં રોકાણ કરાયું છે અને પછી કાયદાકીય કે અન્ય વાંધાઓને લીધે એ રોકાણ છૂટું થવામાં મુશ્કેલી ઊભી થઈ છે.
અમુક કિસ્સામાં 3 ટકા ઊંચા વ્યાજના દરે રકમ લેવાઈ છે.
શૅરબજાર, કોમોડિટી, ક્રિકેટ વગેરેમાં મોટો સટ્ટો પણ કરાયો 
છે અને એમાં મોટી નુકસાની ભોગવી છે.
લેણદારો પાસેથી 75 પૈસા કે એક ટકા વ્યાજે રકમ લઈને લાલચમાં તેના ઊંચા વ્યાજદરે રકમ પાર્ટીઓને અપાઈ છે અને પછી મૂળ રકમ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. કોઈ પ્રોપર્ટી લાંબા સમય સુધી નહીં વેચી અને તે માટે લીધેલાં નાણાંના વ્યાજની રકમ ચડતી ગઈ અને દેવું વધતું ગયું.
અતિ મોંઘી કાર, ફલેટ, વિદેશી ટ્રીપ વગેરે જેવી બાદશાહી રહેણીકરણીથી પણ કેટલીક પાર્ટીઓ ફડચામાં ગઈ છે.
કેટલી રકમનું ડિફોલ્ટ? શું છે ગેરરીતિઓ?
ટીમે જણાવ્યું હતું કે અમે યોજેલી મિટિંગો દ્વારા જે ડિફોલ્ટર પાર્ટીઓની માહિતી મળી છે જેમાં એક કરોડથી માંડીને 10, 20, 50, 75, 100, 150, 200, 250, 400 અને 500 કરોડ રૂપિયા સુધીની રકમ ડિફોલ્ટ કરનારી પાર્ટીઓ અને નાણાદલાલો છે.
નાણાદલાલો દ્વારા વધુ દલાલીની લાલચમાં પાર્ટી વિશે કોઈ પણ જાતની માહિતી મેળવ્યા વિના કરોડો રૂપિયાની રકમ ધીરવામાં આવી છે. અમુક નાણાદલાલો દ્વારા ભારે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે. જેમાં લેણદારો પાસેથી ઓછા વ્યાજદરે રકમ લઈને ઘણા વધારે દરથી રકમ ધીરવામાં આવી છે.
ડિફોલ્ટર પાર્ટીઓ વ્યાજ ચૂકવવામાં શક્તિમાન ન હોવા છતાં તેમને વધુને વધુ રકમ ધીરીને રકમ વધતી ગઈ છે.
પાર્ટી ડિફોલ્ટર થવાની ખબર પડી ત્યારે પોતાની વધારે વ્યાજવાળી રકમ પાછી લઈને સામાન્ય વ્યક્તિને એ ડિફોલ્ટર પાર્ટીની રસીદો આપવામાં આવી છે.
કેટલાક કિસ્સાઓમાં પાર્ટીઓ પાસેથી રકમ પાછી મગાવાઈ છે, પરંતુ તે લેણદારોને નહીં ચૂકવીને પોતાની પાસે રાખી દેવામાં આવી છે. કેટલાકે પાર્ટીઓ પાસેથી વ્યાજ વસૂલ્યું છે, પણ એ રકમ લેણદારોને ચૂકવી નથી.
કેટલીક ડિફોલ્ટર પાર્ટીઓએ મોટી રકમો લીધી છે એ રકમ ક્યાં રોકી છે કે ક્યાં વાપરી છે તેની વિગતો તેઓ આપતા નથી.
કોણ છે સહિયારુંની ટીમમાં?
અભિયાનમાં ચંદ્રકાંતભાઈ ગોગરી, દીપકભાઈ ભેદા, ઍડ્વોકેટ અનિલ ગાલા, બિપીનભાઈ ગાલા, વલ્લભજીભાઈ ગડા, વિશનજીભાઈ મારૂ, કિશોર સાવલા, ભરત ગાલા, સીએ હરેશ છેડા, સીએ નવીન શાહ, સીએ જિજ્ઞેશ દેઢિયા, સીએ મુલેશ સાવલા, સીએ ભરત નાગડા, રમણીકભાઈ સંઘોઈ, મહેન્દ્ર સંઘોઈ, વિપુલ શાહ, રોહિત ગડા, અનિલ ગાલા, શાંતિભાઈ મારૂ વગેરેનો સમાવેશ થાય છે.
આમ કવિઓ જૈન સમાજમાં સર્જાયેલો નાણાકીય ઝંઝાવાત કચ્છી સહિયારું અભિયાનની ટીમના પ્રયાસોથી ક્યારે શમશે એના પર સમગ્ર સમાજની મીટ છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer