દારૂની દુકાનોમાં દિવસે 30 ટકાથી વધુ વેચાણ થાય તો ખુલાસો મગાશે

ચૂંટણી પૂર્વે સ્ટેટ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ સજ્જ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : લોકસભાની ચૂંટણી નિકટ છે ત્યારે રાજ્ય ઉત્પાદન શુલ્ક વિભાગ દ્વારા મહારાષ્ટ્રની દેશી અને વિદેશી શરાબની દુકાનોમાંના સ્ટોકની દરરોજ તપાસ કરવામાં આવશે. એક દિવસમાં 30 ટકા કરતાં વધારે વેચાણ થાય તો તેની તપાસ કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું છે.
ચૂંટણી પૂર્વેના સમયમાં શરાબનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. પ્રચાર શરૂ થાય પછી તેનું વેચાણ વધે છે. મતદાનની આગલી રાત્રે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા છૂટથી શરાબનું વિતરણ થાય છે. આ પ્રવૃત્તિને અંકુશમાં રાખવા માટે રાજ્ય ઉત્પાદન શુલ્ક ખાતા દ્વારા 45 ફ્લાઈંગ સ્કવોર્ડ તૈયાર કરવામાં આવી છે. દિવસમાં શરાબનું વેચાણ 30 ટકા કરતાં વધારે થાય તો તેનો લેખિત ખુલાસો દુકાનમાલિકોએ આપવો પડશે. ખુલાસો સંતોષકારક નહીં જણાય તો દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ રાજ્ય ઉત્પાદન શુલ્ક ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.
મતદાન શરૂ થવાના 48 કલાક પહેલાં જિલ્લાધિકારી મારફતે શરાબનાં વેચાણ ઉપર બંધીની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય એ માટે નાગરિકોની ફરિયાદો ઉપર 24 કલાકમાં ધ્યાન આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે. તેથી પાડોશના રાજ્યમાંના મતદાનના દિવસે મહારાષ્ટ્રની સીમા પાસેથી પાંચ કિલોમીટર પરિસરની શરાબની દુકાનો બંધ રાખવામાં આવશે.
મહારાષ્ટ્રની સીમા ઉપર ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી, ગોવા, કર્ણાટક, તેલંગણ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ વગેરે રાજ્યો આવેલાં છે. તેના વિવિધ સ્થળોએ 40 તપાસ નાકા તૈયાર કરવામાં 
આવ્યાં છે.
ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર
મતદારોને પ્રલોભન આપવા માટે શરાબનો ઉપયોગ થાય નહીં તેના માટે રાજ્ય ઉત્પાદન શુલ્ક વિભાગ સજ્જ છે. તેના માટે નાગરિકો 1800 833 3333 અને 8422001133 (વૉટ્સઍપ) ટોલ ફ્રી ક્રમાંક જાહેર કરવામાં આવશે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer