દરેક ચોકીદારો અપશબ્દને ઘરેણું બનાવે : મોદી

વડા પ્રધાને દેશના 25 લાખ ચોકીદારને કર્યું સંબોધન : વિપક્ષ ઉપર સાધ્યું નિશાન
નવી દિલ્હી, તા. 21 : દેશભરમાં ચોકીદાર ચોર છે વિરૂદ્ધ મે ભી ચોકીદારની જંગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 20 લાખ ચોકીદારને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન બે ત્રણ ચાર ચોકીદારો સાથે વાતચીત પણ કરી હતી. પીએમ મોદીએ ચોકીદારને ચોર કહેવા ઉપર કહ્યું હતું કે, દરેક ગાળને ઘરેણું બનાવીને આગળ વધતા રહેવું જોઈએ. વિપક્ષ ઉપર નિશાન તાકતાં મોદીએ ઉમેર્યું હતું કે, ચોકીદારને ગાળો આપનારાને દેશ ક્યારેય ભૂલશે નહી.  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ દેશવાસીઓને હોળીની શુભકામના આપી હતી. હોળીના તહેવારને ચોકીદાર સાથે જોડતા મોદીએ કહ્યું હતું કે, ચોકીદારની સાવચેતી અન્ય લોકોની ખુશીનું કારણ બને છે. ચોકીદારોને સલામ કરતા મોદીએ કહ્યું હતું કે, દરેક મોસમ અને પરિસ્થિતિમાં તેઓ પોતાના કામમાં જોડાઇ  રહે છે અને હંમેશા ફરજ નિભાવે છે. જેના કારણે સમાજ સુરક્ષિત અનુભવ કરે છે. સોશિયલ મીડિયા ઉપર ચોકીદારને લઈને છેડાયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ટીવી હોય કે ટ્વીટર દરેક જગ્યાએ ચોકીદારની ચર્ચા છે. દુનિયાની મોટાભાગની ભાષાએ આ શબ્દને સમજી લીધો છે અને સ્વીકાર કરી લીધો છે. આજે પૂરો દેશ ચોકીદાર થવાની શપથ લઈ રહ્યો છે. લોકો પોતાની જવાબદારી નિભાવવાની શપથ લઈ રહ્યો છે.  
મોદીને ઉત્તર પ્રદેશના એક ચોકીદાર રેનૂએ સવાલ પૂછ્યો હતો કે તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે અને આબરુ જ તેઓની મુડી છે. પરંતુ રાજનીતિના કારણે તેઓને ચોર કહેવામાં આવ્યા છે. તો શું દેશની સુરક્ષા કરતા જવાનો પણ ચોર છે ? આ સવાલના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ આ બાબતે માફી માગે છે અને લાગણીને સમજે છે. અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે મનમાં આવે તેવા નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. જો કે આવી વાતોને ધ્યાને લીધા વિના આગળ વધી જવું જોઈએ અને દરેક હિન્દૂસ્થાનીની અંદર ચોકીદાર જીવંત રહેવો જોઈએ. આ દરમિયાન આંધ્રપ્રદેશની ફોન કરનારા સનમુખાએ મોદીને ચોકીદાર કહેતા મોદી હસી પડયા હતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો કે બન્ને ચોકીદાર છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer