68 લોકોને કોણે માર્યા તેની કોઈને જાણ નથી : સિબલ

સમઝૌતા એક્સ્પ્રેસ ધડાકા કેસ વિશે તીવ્ર પ્રતિક્રિયા
નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ): સમઝૌતા એક્સ્પ્રેસ ધડાકા કેસમાંથી સ્વામી અસીમાનંદ અને અન્ય ત્રણ  જણને વિશેષ અદાલતે છોડી મૂકવાના એક દિવસ બાદ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે વ્યંગમાં કહ્યું હતું કે, 68 જણને કોણે મારી નાખ્યા તે ``કોઈ નથી જાણતું' એવા ચુકાદા સાથે તે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ફોજદારી ન્યાય પદ્ધતિ) માટે ``ગર્વનો દિવસ'' હોવો જોઈએ.
મુખ્યત્વે પાકિસ્તાનીઓ એવા 68 જણનો ભોગ લેનારા સમઝૌતા એક્સ્પ્રેસમાં ધડાકાના  બાર વર્ષ બાદ, પંચકુલામાં વિશેષ અદાલતે સ્વામી અસીમાનંદ અને અન્ય ત્રણ જણને આ કેસમાંથી મુક્ત કર્યા હતા.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના વકીલ, રાજન મલ્હોત્રાએ કહ્યું હતું કે, ચારે ચાર આરોપી નબા કુમાર ઉર્ફે સ્વામી અસીમાનંદ, લોકેશ  શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દર ચૌધરીને અદાલત દ્વારા છોડી મુકાયા છે.
આ ઘટના પ્રત્યે પ્રતિક્રિયા આપતા સિબલે ટ્વીટ કરી હતી : ``2007 : સમઝૌતા એક્સ્પ્રેસ બૉમ્બ ધડાકો, 68 જણ માર્યા ગયા. એનઆઈએ દ્વારા આઠ આરોપી સામે તહોમતનામું નોંધાવાયું.'' ચુકાદો : ભોગ બનેલા 68 લોકોને કોણે માર્યા તેની કોઈને જાણ નથી. આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે આ ગર્વનો દિવસ હોવો જોઈએ.
ભારત-પાકિસ્તાન ટ્રેનમાં ધડાકો 18 ફેબ્રુઆરી, 2007ના રોજ હરિયાણામાં પાણીપતની નજીક થયો હતો જ્યારે આ ટ્રેન ભારતની બાજુએ છેલ્લું સ્ટેશન અમૃતસરમાં અટારી તરફ આવી રહી હતી.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer