કૉંગ્રેસ પર વડા પ્રધાનના ઉગ્ર પ્રહારો

વંશવાદને કારણે દેશની સંસ્થાઓ નબળી પડી છે : નરેન્દ્ર મોદી
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૉંગ્રેસની વંશવાદની રાજનીતિ અને માનસિક્તા પર ઉગ્ર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, વંશવાદના રાજકારણને કારણે સૌથી વધુ નુકસાન સંસ્થાઓને થયું છે અને એ રીતે દેશની સંસ્થાઓ નબળી પડી છે.
વડા પ્રધાને આજે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, પ્રેસથી સંસદ સુધી, સૈનિકોથી લઈને મુક્ત અભિવ્યક્તિ સુધી, બંધારણથી લઈને અદાલતો સુધી, સંસ્થાઓનું અપમાન કરવાનો કૉંગ્રેસનો પ્રકાર રહ્યો છે. તેમની વિચારસરણી એવી છે કે, બધા ખોટા છે માત્ર કૉંગ્રેસ જ સાચી છે. એટલે કે ``ખાતા ન વહી, કૉંગ્રેસ કહે વહી સહી.''
વડા પ્રધાને ખાતદારોને અનુરોધ કર્યો હતો કે તેઓ જ્યારે લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા જાય ત્યારે તેઓ કૉંગ્રેસની વંશવાદની રાજનીતિ અને તેના ભૂતકાળને જરૂર યાદ કરે કારણ કે એક પરિવારની સત્તાની લાલચે દેશને ભારે નુકસાન પહોંચાડયું છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં દેશવાસીઓએ પરિવારતંત્રને બદલે લોકતંત્રને ચૂંટી કાઢ્યો હતો, તેમણે વિનાશને નહીં વિકાસને મત આપ્યો હતો, તેમણે શિથિલતાને નહીં પણ સુરક્ષાને પસંદ કરી હતી, ત્યારે મતદારોએ ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકારથી મુક્તિ મેળવવા અને સારા ભવિષ્ય માટે મતદાન કર્યું હતું. 2014નો જનાદેશ ઐતિહાસિક હતો. ભારતમાં પ્રથમવાર કોઈ ગૈરવંશવાદી પાર્ટીને બહુમતી મળી હતી.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સરકાર ફેમિલી ફર્સ્ટને બદલે ઈન્ડિયા ફર્સ્ટની ભાવનાથી કામ કરે છે ત્યારે તેનું કામ દેખાઈ આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં દેશને વિશ્વના ટોચના અર્થતંત્રોમાં સ્થાન મળ્યું છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 1975માં કટોકટી લાદીને ભારતના લોકતાંત્રિક મૂલ્યોને તિલાંજલી આપી દેવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે, તત્કાલીન વડા પ્રધાનના રેડિયો સંબોધનને સાંભળશો તો ખબર પડશે કે વંશની રક્ષા કરવા માટે કૉંગ્રેસ કેટલી હદ સુધી જઈ શકે છે. કટોકટીમાં દેશ રાતોરાત એક જેલમાં બદલાઈ ગયો હતો. કંઈ પણ બોલવું ગુનો હતો. અદાલતોનો તિરસ્કાર કરવામાં કૉંગ્રેસે મહારત હાંસલ કરી લીધી છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, કૉંગ્રેસની કામ કરવાની રીત એકદમ સ્પષ્ટ છે. પહેલા નકારો, પછી અપમાનિત કરો અને ત્યારબાદ ધમકાવો. જો કોઈ અદાલતી ચુકાદો કૉંગ્રેસની વિરુદ્ધમાં જાય છે તો તેઓ જજને બદનામ કરે છે, ત્યારબાદ મહાભિયોગ ચલાવે છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો જીવંત સંસ્થા જેવા હોય છે જ્યાં વિવિધ વિચારોનું સન્માન થાય છે પરંતુ દુ:ખની વાત છે કે કૉંગ્રેસ આંતરિક લોકતંત્રમાં વિશ્વાસ ધરાવતી નથી. જો કોઈ નેતા પક્ષ પ્રમુખ બનવાનું સપનું જુએ તો તેને તરત જ બહારનો રસ્તો બતાવવામાં આવે છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer