પુલવામા હુમલો મતો મેળવવા માટેનું કાવતરું : રામગોપાલ યાદવ

યોગી આદિત્યનાથે સમાજવાદી પક્ષના નેતાની કરી આકરી ટીકા
ઇટવાહ, તા. 21 (પીટીઆઈ): પુલવામામાં થયેલો આતંકવાદી હુમલો મતો મેળવવા માટેનું કાવતરું હતું એવા સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવના નિવેદનની ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આકરી ટીકા કરી છે.
રામગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીના મહામંત્રી છે. યાદવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં સત્તાપરિવર્તન થયા પછી આ બનાવની તપાસ કરવામાં આવશે અને મહત્ત્વની વ્યક્તિઓની તપાસ થશે.
રામગોપાલ યાદવની ઝાટકણી કાઢતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ બાબત `રાજકારણમાં અત્યાચાર'નું પ્રતીક છે. આ ટિપ્પણ બદલ યાદવે માફી માગવી જોઈએ. આ પ્રકારના નિવેદનોને લીધે આતંકવાદી સંગઠનોને ઉત્તેજન મળે છે. 
યાદવે જણાવ્યું હતું કે પ્રથમવાર જમ્મુ અને કાશ્મીર વચ્ચે કોઈ ચેકિંગ નહોતું. સીઆરપીએફના જવાનોને સાદી બસમાં પ્રથમવાર મોકલવામાં આવ્યા હતા. જવાનોને લઈ જતા બસના કાફલા ઉપર સશસ્ત્ર વાહનોમાંથી થનારા હુમલાને રોકવા કોઈ વ્યવસ્થા નહોતી. યાદવે આ વક્તવ્ય પક્ષના ટોચના નેતા મુલાયમ સિંહ યાદવના વતન સાઈફાંઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું હતું.
 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer