ઉત્તર મુંબઈમાંથી ગોપાળ શેટ્ટી અને ઉત્તર મધ્ય મુંબઈમાં પૂનમ મહાજનને પુન: ઉમેદવારી

ઉત્તર મુંબઈમાંથી ગોપાળ શેટ્ટી અને ઉત્તર મધ્ય મુંબઈમાં પૂનમ મહાજનને પુન: ઉમેદવારી
દાનવે અને ગડકરી સહિત મહારાષ્ટ્રમાં ભાજપના 16 ઉમેદવારોનાં નામ જાહેર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ભાજપ દ્વારા આજે મુંબઈની બે સહિત મહારાષ્ટ્રની લોકસભાની 16 બેઠકો માટે ઉમેદવારોનાં નામ બહાર પડયાં છે. તેમાં ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટી અને ઉત્તર મધ્ય મુંબઈનાં સાંસદ પૂનમ મહાજનને ફરી ઉમેદવારી આપવામાં આવી છે. કેન્દ્રના વહાણવટા ખાતાના પ્રધાન નીતિન ગડકરી નાગપુરમાંથી ચૂંટણી જંગમાં ઝુકાવશે.
પૂનમ મહાજન ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનનાં પુત્રી છે. તેઓ ભાજપના યુવા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષા પણ છે. ગોપાળ શેટ્ટી બોરીવલીમાંથી નગરસેવક, વિધાનસભ્ય અને પછી સાંસદ બન્યા છે. તેઓ બંનેને પુન: ઉમેદવારી આપવામાં આવી છે.
ભાજપ દ્વારા ધૂળેમાંથી કેન્દ્રના સંરક્ષણ રાજ્ય પ્રધાન ડૉ. સુભાષ ભામરે અને કેન્દ્રના કોલસા ખાતાના રાજ્ય પ્રધાન હંસરાજ આહિરને ઉમેદવારી આપવામાં આવી છે. નંદુરબારમાં ડૉ. હીના ગાવિત, રાવેરમાંથી ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેનાં પુત્રવધૂ રક્ષા ખડસે, અકોલામાં સંજય ધોત્રે, વધાર્મા રામદાસ તડસ, ગઢચિરોલીમાં અશોક નેતે, લાતુરમાં સુધાકર શૃંગારે અને સાંગલીમાં સંજય કાકા પાટીલને ચૂંટણીજંગમાં ઉતારવામાં આવશે. બીડમાં ભાજપના નેતા સ્વ. ગોપીનાથ મુંડેનાં દીકરી અને વર્તમાન સાંસદ પ્રીતમ મુંડે પુન: ચૂંટણી લડશે. જાલનામાં ચૂંટણી લડવા શિવસેનાના અર્જુન ખોતકર ભાજપના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે સામે ચૂંટણી લડવા ઉત્સુક હતા પણ બાદમાં ખોતકરને પીછેહઠ કરવા સમજાવી લેવાયા હતા. ભાજપે તે બેઠક ઉપર દાનવેને ફરી ચૂંટણી જંગમાં ઉતારવાની ઘોષણા કરી છે. ભિવંડીમાંથી ભાજપના સાંસદ કપિલ પાટીલ ફરી ચૂંટણી લડશે.
અહમદનગરની બેઠક માટે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચે થયેલી ખેંચતાણ પછી કૉંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલના પુત્ર ડૉ. સુજય વિખે-પાટીલ તાજેતરમાં ભાજપમાં સામેલ થયા હતા. અહમદનગરમાં ડૉ. સુજય વિખે-પાટીલને ઉમેદવારી આપવાની જાહેરાત આજે કરાઈ છે.
ભાજપે બે વર્તમાન સાંસદોની ઉમેદવારી કાપી
ભાજપે મહારાષ્ટ્રમાં બે ઉમેદવારોની ટિકિટ કાપી છે. ભાજપે અહમદનગરના સાંસદ દિલીપ ગાંધીની ટિકિટ કાપી છે. તેમના સ્થાને ડૉ. સુજય વિખે-પાટીલને ઉમેદવારી અપાઈ છે. લાતુરમાં ભાજપે સાંસદ સુનીલ ગાયકવાડની ટિકિટ કાપીને સુધાકર શૃંગારેને તક આપી છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer