મરીન લાઈન્સનો જોખમી પુલ તોડી પાડવામાં આવ્યો

મુંબઈ, તા. 22 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક આવેલા હિમાલય પુલની હોનારતે છ જણનો ભોગ લીધા બાદ પાલિકાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે. દક્ષિણ મુંબઈના ચંદનવાડીમાં આવેલો જોખમી પુલ `સી' વૉર્ડ અૉફિસે બુધવારે મધરાતે તોડી પાડયો હતો. આ જ પરિસરમાં વધુ એક પુલ જર્જરીત અવસ્થામાં હોઈ તેને પણ વહેલી તકે જમીનદોસ્ત કરાશે.
ગયા વર્ષે પાલિકાએ મુંબઈના પુલોની કરેલી સંરચનાત્મક ચકાસણીમાં 18 પુલ જોખમી જણાયા હતા. આ પુલો તોડી પાડી તેમનું પુન:બાંધકામ  કરવાની ભલામણ કરાઈ હતી. તેમાંના 11 પુલ આજે સુધ્ધાં જોખમી હોઈ આ પૈકીના બે પુલ દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સ સ્ટેશન પાસે ચંદનવાડીમાં આવેલા છે.
આ પુલો રાહદારી માટે બંધ રખાયા છે, પરંતુ તેમની નીચેથી મોટા પ્રમાણમાં વાહનવ્યવહાર ચાલુ રહેતો હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે છે. આ બાબત ધ્યાનમાં લઈ પુલ વિભાગે સંબંધિત વિભાગનાં કાર્યાલયોને જોખમી પુલ તોડી પાડવા જણાવ્યું છે.
રંગપંચમીની રજા નિમિત્તે પાલિકાના કાર્યાલયે મધરાતે આ કારવાઈ શરૂ કરી અને પરોઢિયે પાંચ વાગ્યામાં આ પુલ સંપૂર્ણ તોડી પાડયો હતો. ચંદનવાડીસ્થિત આ પુલનો અસંખ્ય રાહદારી ઉપયોગ કરતા હતા. ભૂલેશ્વર, દવાબજાર જવા માટે ચંદનવાડી સ્મશાનભૂમિમાંથી `શોર્ટકટ' છે. જોકે, છેલ્લા છ મહિનાથી આ પુલને બંધ કરી દેવાયો હતો.
હવે મરીન લાઈન્સની દક્ષિણે આવેલો એક પુલ તોડવાનો છે. મુંબઈમાં એકંદરે આવા 10 પુલ જોખમી હાલતમાં હોઈ તેને તોડી પાડવા ટ્રાફિક પોલીસની પરવાનગી લેવાની હોવાથી તેમાં અઠવાડિયાનો વિલંબ થવાની શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી હતી.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer