ચીરાબજારમાં હોળીમાં જીવતો કૂકડો બાંધ્યો

વિરોધ કરનારાને પડયો માર

મુંબઈ, તા. 22 : બુધવારે પરંપરાગત હોળીની ઉજવણી દરમિયાન ચીરાબજારમાં હોળીની આગની ટોચે જીવતો કૂકડો બાંધવા સામે અવાજ ઉઠાવનારા એક પશુ-પક્ષી પ્રેમીને માર મારવામાં આવ્યો હતો. ઓનરરી ડિસ્ટ્રિક્ટ એનિમલ વેલ્ફેર અૉફિસર મિતેશ જૈનના જણાવ્યા પ્રમાણે તાડવાડી વિસ્તારમાં હોળીની આગની ટોચે અૉરેન્જ કલરનો જીવતો કૂકડો બાંધવામાં આવ્યો હતો જ્યારે અન્ય કેટલાંક કૂકડા-મરઘા અને એક બકરી નજીકમાં જ રાખવામાં આવ્યાં હતાં. 
કેટલાંક પશુ-પક્ષી પ્રેમીઓ સાથે આ સ્થળે પહોંચેલા જૈને કહ્યું હતું કે આ બધું જોઇને મેં ફોટા પાડવાનું અને વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. પરંતુ પંદરથી વીસ જેટલા લોકોએ મને ઘેરીને પીઠ અને મોં પર મુક્કા મારવાનું શરૂ કર્યું હતું અને તેઓ કહેતા હતા કે સો વર્ષ જૂની પરંપરા અટકાવી રહ્યો છું. જૈને કહ્યું હતું કે તાડવાડીની હોળીમાં દર વર્ષે જીવતા મરઘા હોમવામાં આવે છે એવી માહિતી અગાઉથી હતી તેથી મેં ત્યાં જતા પહેલા પોલીસને જાણ કરવા સાથે જ રક્ષણની માગણી કરી હતી પરંતુ પોલીસ તરફથી કોઇ રક્ષણ મળ્યું નહોતું. જૈને આક્ષેપ કર્યો હતો કે મને માર મારવામાં હેલ્મેટ પહેરેલા એક માણસે મોં પર જોરદાર મુક્કા માર્યા હતા એ માણસ સાદા કપડામાં પોલીસ કર્મચારી હોવાનું લાગતું હતું. જૈને એલ ટી માર્ગ પોલીસ સ્ટેશને અધિકારીઓનો સંપર્ક કર્યા બાદ પોલીસ તેને જી ટી હૉસ્પિટલે તબીબી પરીક્ષણ માટે લઇ ગઇ હતી અને પછી ફરિયાદ નોંધવામાં આવી હતી.
તાડવાડી હોળી ઉત્સવની આયોજક સમિતિના સભ્ય અમિત ભદરિચાએ હોળી દરમિયાન કોઇ પશુ-પક્ષી પ્રત્યે ક્રૂરતા આચરાયાના આક્ષેપોનો ઇનકાર કરતા કહ્યું હતું કે હોળી પ્રગટાવતા પહેલાં અમે તેની ટોચે એક કૂકડો બાંધ્યો હતો પરંતુ બાદમાં તેને મુક્ત કરીને હોળી પ્રગટાવી હતી એટલું જ નહીં અમે હોળી પ્રગટાવતા પહેલાં તેમાં નીચે મૂકેલા નાળિયેર પણ બહાર કાઢી લીધા હતા. કોઇ પશુ-પક્ષી પ્રત્યે નથી ક્રૂરતા આચરવામાં આવી કે અમારા કાર્યકરોએ કોઇ વ્યક્તિને માર પણ નથી માર્યો. વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ રાઉતે જણાવ્યું હતું કે અમે જૈનને રક્ષણ નથી આપ્યું એવો આક્ષેપ ખોટો છે, હોળીના આયોજકોએ પણ કોઇ પશુ-પક્ષીને જીવતા બાળ્યાં હોવાના આક્ષેપો નકારી કાઢ્યા છે.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer