કાશ્મીર : પાકિસ્તાનથી આવેલા આતંકવાદી ઢેર

વીતેલા ચોવીસ કલાકમાં સેનાએ 7 આતંકવાદી ઠાર કર્યા : 12 વર્ષીય બાળકની હત્યા

બાંદીપોરા/શ્રીનગર, તા. 22 : જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળોએ અલગ-અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ સાથે જ વીતેલા 24 કલાકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા 7 થઈ છે. અમુક વિસ્તારોમાં અથડામણ હજુ પણ જારી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. દરમ્યાન, આતંકવાદીઓના નિર્મમ ચહેરાને સામે લાવતી એક ઘટનામાં  આતંકીઓએ પોતાની ઢાલ બનાવેલા એક 12 વર્ષના બાળકની હત્યા કરી નાખી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક લશ્કર-એ-તોયબાનો કમાન્ડર હતો. શોપિયાં જિલ્લાના ઈમામ સાહિબ વિસ્તારમાં સુરક્ષા દળોએ અથડામણમાં બે આતંકવાદીને ઠાર માર્યા હતા. આ ઉપરાંત સોપોરના વારપોરા વિસ્તારમાં એક અન્ય એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ ઘટના ગુરુવારે બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા એ જ જગ્યાએ બની હતી. પોલીસે કહ્યું કે, બાંદીપોરામાં અથડામણ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ બે જગ્યાએ હજુ ચાલુ છે. બાંદીપોરાના હાજીનમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોયબાના બે આતંકવાદી માર્યા ગયા હતા. આ બંનેની ઓળખ પાકિસ્તાન નિવાસી અલી અને હબીબ તરીકે કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ ગોપનીયતાની શરતે જણાવ્યું હતું કે, એક આમનાગરિકને ગુરુવારે બચાવી લેવાયો હતો, પરંતુ એક અન્ય બંધક સગીર બાળકને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના ઈમામ સાહિબ વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની માહિતી મળ્યા બાદ સલામતી દળોએ વિસ્તારને ઘેરી લઈને શોધ અભિયાન આરંભ્યું હતું.
દરમ્યાન, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તેમણે કહ્યું કે, સોપોરના વારપોરા વિસ્તારમાં જારી આ એન્કાઉન્ટરમાં કોઈ જાનહાનિના સમાચાર તાત્કાલિક રીતે મળ્યા નથી.
આ પહેલાં બારામુલા જિલ્લાના કલંતરામાં ગઈકાલે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી માર્યા ગયા હતા. 
આ દરમ્યાન એક અધિકારી સહિત ત્રણ સૈન્યકર્મીને ઈજા પણ પહોંચી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલાઓમાં સામેલ આમિર રસૂલ સોપોર નિવાસી અને એક અન્ય આતંકવાદી પાકિસ્તાની નાગરિક હતો.  
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer