આર્મીનું અપમાન કરીને કૉંગ્રેસ દ્વારા પાકિસ્તાન દિનની ઉજવણી : મોદી

આર્મીનું અપમાન કરીને કૉંગ્રેસ દ્વારા પાકિસ્તાન દિનની ઉજવણી : મોદી
ઍર સ્ટ્રાઇકના પુરાવા માગતા સેમ પિત્રોડા પર વડા પ્રધાનના પ્રહારો

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 22 : કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીના નજીકના સલાહકાર સેમ પિત્રોડાએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇકના પુરાવા માગતાં તેમના પર ભાજપે જોરદાર પ્રહાર કર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપપ્રમુખ અમિત શાહ સહિત પક્ષના અનેક નેતાઓએ ઍર સ્ટ્રાઇક જેવા ગંભીર મામલે કૉંગ્રેસના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું અને એને ઘેરવાની કોશિશ કરી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત રાજીવ ગાંધી અને વર્તમાન કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીના સલાહકાર સેમ પિત્રોડાએ પાકિસ્તાનમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇકના પુરાવા માગ્યા હતા અને કહ્યું હતું કે 300 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની બાબતે મને શંકા છે.
વડા પ્રધાને આજે આક્રમક વલણ બતાવતાં વિપક્ષોને આતંકવાદના સમર્થકોના આશ્રયદાતા ગણાવ્યા હતા અને તેમના પર સશત્ર દળોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. વડા પ્રધાને જણાવ્યું હતું કે કૉંગ્રેસ આ રીતે પાકિસ્તાન દિનની ઉજવણી કરી રહી છે.
વડા પ્રધાને ટ્વીટ કરીને ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાની એમ કહેવા બદલ ટીકા કરી હતી કે મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારત હવાઈ હુમલો કરીને જવાબ આપી શકયું હોત, પરંતુ મારા હિસાબે દુનિયાથી આવી રીતે નિપટી શકાય નહીં. મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસના શાહી વંશના વફાદાર દરબારી કૉંગ્રેસ આતંકવાદનો જવાબ આપવા નહોતી માગતી એ અગાઉથી જાણતા હતા, પરંતુ આ નવું ભારત છે. અમે આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપીશું. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષો વારંવાર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યા છે. હું ભારતવાસીઓને જણાવું છું કે તેઓ વિપક્ષી નેતાઓનાં આવાં નિવેદનો સામે સવાલ ઉઠાવે. 130 કરોડ ભારતીયો વિપક્ષોની આવી હરકતોને માફ કરશે નહીં અને ભૂલશે પણ નહીં. ભારત આપણી સેના સાથે મજબૂતાઈથી ઊભું છું.
ભાજપપ્રમુખ અમિત શાહે ટ્વીટ કરતાં વિપક્ષ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે ભાજપ અને વિપક્ષમાં સ્પષ્ટ અંતર જોવામાં આવી રહ્યું છે; વિપક્ષોનું દિલ આતંકવાદીઓ માટે ધડકે છે, જ્યારે અમારું દિલ તિરંગા માટે ધડકે છે. કૉંગ્રેસ સહિતના વિપક્ષો સેના પર શંકા રાખે છે, જ્યારે અમને અમારી સેના પર ગર્વ છે. અમિત શાહે લોકોને અપીલ કરી હતી કે મતદાન દ્વારા કૉંગ્રેસની આવી સંસ્કૃતિ પર સર્જિકલ સ્ટ્રાઇક કરે.
નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે આતંકવાદીઓ સામેની કાર્યવાહીના પુરાવા માગવા એ કૉંગ્રેસની સંસ્કૃતિ બની ગઈ છે. પાકિસ્તાન સિવાય તમામ દુનિયા આજે ભારત સાથે છે ત્યારે કૉંગ્રેસી નેતાઓ લગાતાર સવાલ કરી રહ્યા છે.
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer