સુરતમાં વ્હોરા સમાજના 150થી વધુ લોકો સાથે રૂા. 1.25 કરોડની ઠગાઇ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 : શહેરના વ્હોરા સમાજના 150 જેટલા લોકો સાથે રૂા. 1.25 કરોડથી વધુની ઠગાઈ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે શહેરના મહિધરપુરા પોલીસમથકમાં મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. 
શહેરમાં સ્થિત વ્હોરા સમાજના સામાન્ય પરિવારના લોકોને મહિધરપુરા અલાયાની વાડી વિસ્તાર ખાતે ફ્લેટ આપવાના બહાને બુકિંગ પેટે પૈસા લઈ લીધા બાદમાં પ્રોજેકટ શરૂ નહીં કરી અને ત્યારબાદ તે સ્થળે બીજો પ્રોજેકટ મૂકી અગાઉના પ્રોજેકટમાં બાના પેટે લીધેલી તમામ રકમ પરત કરી દીધી છે. આ પ્રકારના દસ્તાવેજો ઊભા કરી વ્હોરા સમાજની 150થી વધુ વ્યકિત સાથે રૂા. 1.25 કરોડથી વધુની ઠગાઇ કરનાર પેઢીના મહિલા ભાગીદાર વિરુદ્ધ મહિધરપુરા પોલીસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરતના ઝાંપાબજાર તૈયબી મહોલ્લો એસીએન એપાર્ટમેન્ટના ફલેટ નં. 402માં રહેતા અને ઘરમાં સિલાઇકામ કરતાં 44વર્ષીય વિધવા શહેનાઝ ખોઝેમભાઇ દાગીનાવાળાએ વર્ષ 2010માં મહિધરપુરા પોસ્ટ ઓફિસની પાછળ અલાયાની વાડીમાં 4/200 ખાતે બાબાજી બાગના નામે રેસિડેન્સીયલ ફ્લેટનું આયોજન કરનાર મુલ્લા અબ્દુલ હુસેન મોહમ્મદ મલ્લમપટ્ટીવાલા, આસીફા જોહર મુલ્લા મલમપટ્ટીવાલા, નેમાબેન મુલ્લા અબ્દુલ હુસેન મલ્લમપટ્ટીવાલા તથા ફૈજી ફકરૂદીન પહાડવાલાની પેઢી એજેડ એન્ટરપ્રાઇઝમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. તેમણે રૂા.82,500 ચૂકવ્યા હતા. પરંતુ, રસીદ રૂા. 37,500ની આપી બાકીની રકમની નોંધ એક ડાયરીમાં કરાઇ હતી. 
ભાગીદારો વચ્ચે હિસાબી તકરારમાં 6 માસ બાદ પણ પ્રોજેકટ સ્થળે કામ શરૂ થયું નહોતું. શહેનાઝબેન બુકિંગ ઓફિસે ગયાં ત્યારે ત્યાંના સ્ટાફે કહ્યું, કે અગાઉના પ્રોજેકટના બાનાની રકમ ચેક મારફત  ચૂકતે કરી દેવાઇ છે. આમ કહી ચેકની વિગતો પણ બતાવી હતી. શહેનાઝબેન સહિત 150થી વધુ લોકોને આ પ્રકારના હિસાબની ચેકની રકમ પરત મળી ન હતી. આ અંગે મુલ્લા મલમપટ્ટીવાલાનાં પત્ની આસીફાબેન વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer