કૉંગ્રેસે સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને હેલિકોપ્ટર ફાળવ્યું

7 દિવસમાં 50 રેલીઓ સંબોધશે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.14 : પાટીદારો માટે અનામતની માગણી કરીને રાતોરાત લાઇમલાઇટમાં આવેલા હાર્દિક પટેલ હવે કૉંગ્રેસના સ્ટાર પ્રચારક બની ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા બાદ હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરના સ્ટાર પ્રચારક બની ગયા છે. હાલમાં કૉંગ્રેસે તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. હાર્દિક પટેલ 7 દિવસમાં 50 રેલીઓ સંબોધશે એમ કૉંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે. 
મહત્વનું છે કે, જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવ્યા હતા.  રાજકોટ એરપોર્ટથી તેઓ કાલાવડ સભા માટે બાય રોડ કારમાં ગયા હતા. હાર્દિક  પટેલ પાસે પહેલા ફોર્ચ્યુન કાર હતી અને હવે સીધા હેલિકોપ્ટરમાં આવતા જ હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 
અહીં નોંધવું ઘટે કે, હાર્દિક પટેલ ગત 12 માર્ચના રોજ અમદાવાદમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને ગણતરીના દિવસોમાં તેમને સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવી લેવાયા છે.  હાર્દિક કૉંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચૂંટણીસભાઓ ગજવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer