અમદાવાદની ગ્લોબલ સ્કૂલની વિરુદ્ધ વાલીઓની સુપ્રીમ કોર્ટમાં જીત

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 14 : ખાનગી શાળાઓ માટે ગુજરાત સરકારે નક્કી કરેલી ફીની મર્યાદા બહારની ફી વસુલવા માગતી અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને સુપ્રીમ કોર્ટે લપડાક મારી છે. શાળાએ ફી રેગ્યુલેશન કમિટિની નક્કી કરેલી મર્યાદાથી વધુ ફી માગતા વાલીઓ વિફર્યા હતા. વાલીઓના વિરોધ સામે શાળાએ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા હતા. આ મામલે વાલીમંડળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શાળાને ફટકાર લગાવતા કહ્યુyં કે, તમે શાળા છો, વેપારી નથી. સુપ્રીમ કોર્ટે શાળાને ટર્મિનેટ કરેલા તમામ વિદ્યાર્થીઓને તાકીદે પરત લેવાનો હુકમ કર્યો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને વાલીઓનો વિજય થયો છે. 
ગુજરાત સરકારે ખાનગી શાળાઓની ફીને અંકુશમાં રાખવા માટે વર્ષ 2017મા ફી નિર્ધારણ કાયદો પસાર કર્યો હતો. આ કાયદાની વિરુદ્ધમાં મોટાભાગની ખાનગી સ્કુલોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને સરકાર દ્વારા નક્કી કરાયેલી ફીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. શાળાઓની દલીલ એવી હતી કે, સુપ્રીમ કોર્ટમાં અમારો કેસ પેન્ડિંગ હોવાથી વાલીઓએ જુના ધોરણ મુજબની ફી જ ભરવી પડશે. 
આ મુદ્દે અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલે પોતાની નક્કી કરેલી ફી ન ભરનારા 40 થી વધુ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ ન આપીને  તેમના એડમિશન રદ કરી દીધા હતા. આ મુદ્દે વાલીઓએ એફઆરસીને રજુઆત કરતા કમિટીએ શાળાને નોટિસ ફટકારી હતી. 
દરમિયાન વાલીઓએ શિક્ષણપ્રધાનને મળીને દરમિયાનગીરી કરવા માંગણી કરી હતી. શિક્ષણપ્રધાને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ જો શાળા બાળકોને પ્રવેશ નહીં આપે તો તેઓ પગલા ભરશે એવી ખાતરી આપી હતી. જો કે તમામ વાલીઓ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં વાલીઓની તરફેણમાં ચુકાદો આવતા ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને ફટકો પડયો છે.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer