મુંબઈ ઍરપોર્ટ પર પ્રવાસીની સંખ્યામાં માત્ર નજીવો વધારો

મુંબઈ ઍરપોર્ટ પર પ્રવાસીની સંખ્યામાં માત્ર નજીવો વધારો
વિદેશ જતાં પેસેન્જરો દિલ્હી અને અન્ય ઍરપોર્ટ પસંદ કરી રહ્યા છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : દેશમાંનું સૌથી વ્યસ્ત ઍરપોર્ટ હોવા છતાં મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પ્રવાસી સંખ્યામાં સાવ જ નજીવો વધારો નોંધાયો છે. વર્ષભરમાં આ સંખ્યા માત્ર 0.82 ટકા વધી છે. જોકે વિમાનોની સંખ્યામાં વધારો થયો છે.
2019-20માં ઍરપોર્ટ અને ઉડ્ડયનની અને પ્રવાસીઓની સંખ્યા સાવ નિરુત્સાહી રહી છે. મુંબઈ ઍરપોર્ટ પર 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2019 દરમિયાન ચાર કરોડ 88 લાખ પ્રવાસીઓની હેરફેર રહી હતી. આગલા વર્ષે એટલે કે 2017-2018માં પ્રવાસીઓની સંખ્યા ચાર કરોડ 84 લાખ હતી. 2017-18માં આગલા વર્ષની તુલનામાં 7.4 ટકા પ્રવાસીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. 2019-20માં પ્રવાસીની સંખ્યાની દૃષ્ટિએ છેલ્લાં છ વર્ષમાં સૌથી ઓછી વૃદ્ધિ થઈ છે. 
આ પૂર્વે 2012-13માં આગલા વર્ષની તુલનામાં પ્રવાસીઓની સંખ્યામાં 1.80 ટકાની ઘટ થઈ હતી.
પ્રવાસીઓની ઓછી થયેલી સંખ્યા માટે જેટ ઍરવેઝના ઉડ્ડયનની સંખ્યામાં થયેલા ઘટાડાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પણ આ કારણ અયોગ્ય છે. એવું કહેવાય છે કે વિદેશ જતા પ્રવાસીઓ મુંબઈ ઍરપોર્ટને બદલે દિલ્હી ઍરપોર્ટ અને અન્ય ઍરપોર્ટને પ્રાધાન્ય આપી રહ્યા છે અને એને કારણે મુંબઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી છે.
બીજી તરફ વિમાનોની સંખ્યામાં સંતોષકારક વધારો થયો છે. 2017-18માં મુંબઈ ઍરપોર્ટ પર આશરે 3.20 લાખ વિમાનોની આવ-જાવ થઈ હતી. જોકે આ વર્ષે આ આંકડો 3.25 લાખનો રહ્યો છે. આમાં માત્ર દોઢ ટકાનો વધારો થયો છે. તાજેતરમાં 7 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી 22 દિવસ રોજ છ કલાક મુંબઈ ઍરપોર્ટનું રનવે રિપેર માટે બંધ રાખવામાં આવતું હતું એટલે વિમાનોની સંખ્યામાં થોડો ઓછો વધારો થયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer