અમિત શાહનું શક્તિપ્રદર્શન

અમિત શાહનું શક્તિપ્રદર્શન
રોડ-શોમાં મોટી સંખ્યામાં નેતા-કાર્યકરો જોડાયા

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.14: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ ચૂક્યું છે અને હવે આગામી તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની 26 બેઠકો પર ત્રીજા તબક્કાની 23 એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઇ રાજ્યમાં ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર ધમધમી રહ્યો છે.  રાજ્યમાં હાઇપ્રોફાઇલ ગણાતી ગાંધીનગર બેઠકના ઉમેદવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા વિધાનસભા વિસ્તારમાં રોડ-શો યોજીને શક્તિપ્રદર્શન યોજ્યું હતું. અમિત શાહે કલોલમાં પણ 4 કિલોમીટર લાંબો રોડ-શો યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમિત શાહની સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જોડાયા હતા. 
કલોલમાં કાર્યકરોએ ઢોલ-નગારા સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરી રોડ-શોમાં જોડાયા હતા. અમિત શાહે કલોલમાં બાબા સાહેબ આંબેડકર ચોકથી રોડ-શોની શરૂઆત કરી હતી. તેમની સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા.   
અમિત શાહે કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ-શો બાદ રાત્રે ગાંધીનગર તાલુકાના 12 ગામોના આગેવાનો સાથે રાંધેજામાં બેઠક યોજી હતી જેમાં કાર્યકરો ઉપરાંત ખેડૂતો, પશુપાલકો સાથે તેઓએ ચર્ચા કરી હતી. જ્યારે મોડી રાતે ગાંધીનગર શહેરના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. 
આજે સવારથી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહે જોરશોરથી  ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. તેમણે સાબરમતિ, ઘાટલોડિયા, નારણપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ચેરમેન-સેક્રટરીઓ સાથે ગ્રુપ મિટિંગ કરી હતી અને પોતાના મતવિસ્તારમાં લીડ વધારવા પર ભાર મુક્યો હતો. ઉપરાંત, તેમણે જુના વાડજ ખાતે પણ ગ્રુપ મિટિંગ કરી હતી.  અમિત શાહે અમદાવાદના રાણીપ, ચાંદલોડિયા, ગોતા, નાણપુરા અને નવા વાડજ વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કર્યો હતો જેમાં કેન્દ્રસરકારની 5 વર્ષની સિદ્ધિઓ પર ભાર મુકવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં અમિત શાહે કેન્દ્રની મોદી સરકારે દેશને મજબુત નેતૃત્વ આપ્યુ છે અને દેશ સુરક્ષિત હોવાની વાત કરી હતી તો સાથે જ કેન્દ્રની યુપીએ સરકાર સમયે નબળી નીતિઓ પર પણ કટાક્ષ કર્યો હતો. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer