વાતાવરણમાં એકાએક આવ્યો પલ્ટો

વાતાવરણમાં એકાએક આવ્યો પલ્ટો
મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
 
નાશિકમાં વીજ પડતાં ત્રણ તરુણોનાં મૃત્યુ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : રવિવારે મોડી સાંજે મુંબઈ અને એની આસપાસના અનેક વિસ્તારોમાં અચાનક હળવો વરસાદ પડતા લોકોને ઉકળાટમાંથી થોડી રાહત મળી હતી.
મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. કલ્યાણમાં તો જોરદાર ઝાપટું પડયું હતું અને લાઇટો પણ ડૂલ થઈ ગઈ હતી.
મલાડ, કુર્લા, મુલુંડ, ગોવંડી અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. કાંદિવલી વેસ્ટમાં પણ ઝરમર વરસાદ થયો હતો. વિલે પાર્લેમાં પણ ઝાપટું પડયું હતું. મીરા રોડમાં પણ રાત્રે નવ વાગે જોરથી ઝાપટું પડયું હતું. કલ્યાણ ઉપરાંત અંબરનાથ, બદલાપુરમાં પણ વરસાદે હાજરી નોંધાવી હતી.
શનિવારે પુણે અને લોનાવલામાં પણ વરસાદ થયો હતો. એ ઉપરાંત સાતારા, નાશિક અને રત્નાગિરિ જિલ્લામાં પણ વરસાદ થયાના સમાચાર મળ્યા હતા. મુરબાડમાં પણ રવિવારે ભારે વરસાદ થયો હતો.
નાશિકમાં તો આકાશી વીજ પડવાથી ત્રણના મૃત્યુ પણ થયા હતા. નાશિકના માનૂર ગામમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા ત્યારે વીજ પડી હતી. એમાં ક્રિકેટ રમતા ત્રણ યુવકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
રવિવારે સાંજે કલ્યાણમાં 7.55 વાગે જોરદાર ઝાપટાંની શરૂઆત થઈ હતી અને રાત્રે 8.30 સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. એ બાદ પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદને કારણે અનેક લોકો ઊંઘતા ઝડપાયા હતા અને વરસાદમાં ભિંજાઈ ગયા હતા. એ ઉપરાંત અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી.
રાજ્યના મનમાડ, સાતારા અને રત્નાગિરિ વિસ્તારમાં શનિવારે કમોસમી વરસાદ પડયો હતો. સાતારામાં વાઈ, પાંચગણી, મહાબળેશ્વરમાં પણ વરસાદે હાજરી નોંધાવી હતી. વરસાદને લીધે તાપમાન સહેજ ઘટયું હતું અને લોકોને ઉકળાટથી થોડી રાહત મળી હતી.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer