આજથી જેટ ઍરવેઝના પાઇલટ્સ હડતાળ પર

આજથી જેટ ઍરવેઝના પાઇલટ્સ હડતાળ પર
જાન્યુઆરીથી તેમને પગાર નથી મળ્યો
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : આર્થિક સંકટમાં ફસાયેલા જેટ ઍરવેઝના આશરે 1100 પાઇલટોએ સોમવાર (આજે) સવારે 10 વાગ્યાથી હડતાળ પર ઊતરવાનો ફેંસલો કર્યો છે. આ પાઇલોટ નેશનલ એવિયેટર્સ ગિલ્ડના મેમ્બરો છે અને છેલ્લા ત્રણેક મહિનાથી વેતન મળતું ન હોવાથી હડતાળ પર જવાનો ફેંસલો કરાયો છે.
જોકે જેટ ઍરવેઝે કહ્યું હતું કે પાઇલટોના આ નિર્ણયને કારણે તેની ફ્લાઇટ શેડયુલમાં કોઈ ફરક નહીં પડે.
જેટ ઍરવેઝના પાઇલટ, એન્જિનિયરો અને સિનિયર મૅનેજમેન્ટને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી અને એમને પગાર ક્યારે મળશે એની પણ કોઈને ખબર નથી.
જેટ ઍરવેઝના પાઇલટ્સ અને એન્જિનિયરોને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યા તેથી સરકારે હવે તત્કાળ મધ્યસ્થી કરવી જોઇએ કેમ કે લોકસભાની ચૂંટણીમાં બેરોજગારી ખૂબ મોટો મુદ્દો છે અને આગામી એક-બે દિવસમાં ગમે ત્યારે એક ઝાટકે જેટ ઍરવેઝના 20,000થી વધુ કર્મચારીઓ બેરોજગાર બની શકે છે. 
જેટના પાઈલટને અડધા પગારે નોકરી આપતી સ્પાઈસ જેટ
એકતરફ જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી ઉગરવાના પ્રયાસમાં વધુ ડૂબતી નજરે ચડી રહી છે ત્યારે જ તેની હરીફ કંપની સ્પાઈસ જેટ આ તકનો ભરપૂર લાભ ઉઠાવવાના પ્રયાસમાં દેખાય છે. જેટ એરવેઝના પાઈલટ અને એન્જિનિયરોને સ્પાઈસ જેટ અડધા પગારે નોકરી આપવા લાગી છે. જાણવા મળેલી વિગતો અનુસાર જેટના પાઈલટ અને અન્ય સ્ટાફને 25 ટકાથી 50 ટકા જેટલા ઓછા પગારે નોકરીઓ ઓફર કરવામાં આવી રહી છે.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer