EPFO લાંચના કિસ્સાની સીબીઆઈએ તપાસ શરૂ કરી

મુંબઈ, તા. 15 : સેન્ટ્રલ બ્યુરો અૉફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ અૉર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ની નવી મુંબઈમાંની શાખાના એક અધિકારી અને એજન્ટ સામે લાંચ માગવાની થયેલી ફરિયાદ સંબંધે તપાસણીની કાર્યવાહી આદરી છે. જેમાં આ અધિકારીએ ફરિયાદીની બે વર્ષના પ્રોવિડન્ટ ફંડની રકમ પરત કાઢવામાં સહાય કરવા રજૂઆતના સંદર્ભમાં `લાંચ' માગી હતી. પ્રોવિડન્ટ ફંડની બાકી આ રકમ રૂા. 77,000 (2016થી 2017ના ગાળા માટે) રહી હતી.
ફરિયાદી પંકજ જાધવ ઘાટકોપરનો રહેવાસી છે અને વાશીની એક હૉસ્પિટલના એક અૉપરેશન થિયેટરમાં સહાયક તરીકે 2016થી 2018 દરમિયાન ફરજ બજાવતો હતો. જાધવ 10મી માર્ચે ઇપીએફઓ અૉફિસર પવન સિંઘને મળ્યા હતા તથા પીએફની રકમ કેવી રીતે પરત કાઢવાના પ્રશ્ને મદદ ચાહી હતી.
અધિકારીએ આ બાબતે રાજુ નામના એજન્ટના સંપર્કમાં રહેવા કહ્યું હતું. 15 માર્ચના જાધવ એજન્ટ રાજુને મળ્યા હતા અને તેને બધી માહિતી આપી હતી.
ત્યારે એજન્ટે કહ્યું કે ફરિયાદીએ રૂા. 2500 લાંચ તરીકે આપવા જોઈએ જેથી તેને તેની પીએફની રકમ મળી રહે. રાજુએ કહ્યું કે રૂા. 2500ની રકમ પવન સિંઘ માટે છે.
સીબીઆઈએ સિંઘ અને રાજુ સામે ઇન્ડિયન પીનલ કોડ પ્રિવેન્ટેશન અૉફ કરપ્શન એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ રજિસ્ટર્ડ કર્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer