બિલથી માલ ખરીદનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે

બિલથી માલ ખરીદનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે
નવી દિલ્હી, તા. 15 : ગૂડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)નો વ્યાપ વધારવા તેમ જ વધુ લોકો તેનું પાલન કરે તે માટે કેન્દ્ર સરકાર, વિક્રેતાઓ પાસેથી માલની કરાતી ખરીદી માટે બિલની માગણી કરનારા ગ્રાહકોને કૅશ ઇન્સેન્ટિવ કે વળતર અપાવાનું વિચારી રહી છે, એમ આ બાબતના બે જાણકાર અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પ્રણાલીનું બહેતર પાલન વધુ કલેક્શન તરફ દોરી જનારું હોઈ જુલાઈ 2017માં તેને આડકતરા વેરામાં પ્રગતિ કરનારાં પગલાં તરીકે જોવામાં આવે છે. જોકે હાલ ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓને કારણે તુરંતમાં કોઈ મોટી નીતિવિષયક જાહેરાત કરાવાની શક્યતા નથી.
જોકે જીએસટીને લગતી દરખાસ્તો અગાઉથી પ્રોસેસ કરાતી હોય છે જેથી 23 મેની મતગણતરી બાદ નવી સરકાર તેને ઝડપભેર આગળ વધારી શકશે. ઉપરી અધિકારી પૈકી એક અધિકારીએ જણાવ્યું હતું કે સૂચિત ઉપાયયોજના હેઠળ ગ્રાહકોને બિલની કુલ કિંમતના અમુક ટકા રકમ વળતર તરીકે અૉફર કરાશે. આનાથી ગ્રાહકોમાં બિલ માટેનો આગ્રહ પણ વધશે. જોકે વળતરની રકમ હવે નક્કી કરાશે. વધુમાં જો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જેવા ડિજિટલ મોડમાં ચુકવણી કરાશે તો વળતરની રકમ ગ્રાહકનાં ખાતાંમાં સીધી જમા પણ કરી શકાશે.
આના કારણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળવાની સાથોસાથ જીએસટી નેટ બહારના એકમોને પણ તેના દાયરામાં આવવા પ્રેરણા થશે.
કાળાં નાણાંના અર્થતંત્ર પર લગામ તાણવાના આશયથી નવેમ્બર, 2016માં નોટબંધી લાગુ કર્યા બાદ કેન્દ્ર સરકાર ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહિત કરી રહી છે. જોકે સૂચિત લાભ અંગેની પૂછપરછનો કેન્દ્રીય નાણાંમંત્રાલય તેમ જ સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈનડાયરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer