પંતથી વધુ સારી કીપિંગ અને અનુભવને લીધે કાર્તિકને તક : પ્રસાદ

પંતથી વધુ સારી કીપિંગ અને અનુભવને લીધે કાર્તિકને તક : પ્રસાદ
ચોથા ઝડપી બોલરના બદલે સ્પિનર ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્રને પસંદ કરાયો

મુંબઇ, તા.15: ભારતની વિશ્વ કપ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક અને નંબર 4 પર અંબાતિ રાયડૂના સ્થાને વિજય શંકર પર પસંદગીકારોએ ભરોસો મુકયો છે. દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવા પર મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે એવી સ્પષ્ટતા કરી છે કે અમે બેઠકમાં યુવા વિકેટકીપર રીષભ પંત પર ઘણી ચર્ચા કરી, પણ વિકેટ કીપીંગ સ્કીલ્સ, અનુભવ અને દબાણની સ્થિતિમાં ફિનિશરની ભૂમિકા નજરે રાખીને કાર્તિકની પસંદગી કરી હતી. પંત વિરૂધ્ધ બીજું કોઇ કારણ ન હતું. પાછલા એક મહિનાથી આ યુવા ખેલાડી પર ઘણી ચર્ચા કરી. અમારે એક અનુભવી મીડલઓર્ડર બેટસમેનની જરૂર હતી. જે શાંત રહીને મોરચો સંભાળી શકે. જેમાં કાર્તિક ખરો ઉતરતો હોવાથી પંતને બદલે તેનો ટીમમાં સમાવેશ કરાયો છે. જો કે પ્લેઇંગ ઇલેવનમાં તે હશે કે નહીં, તે હું કહી શકું નહીં. તે કામ કોચ અને કેપ્ટનનું છે.
પ્રસાદે એમ પણ કહયું કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ અમે મીડલ ઓર્ડરમાં અનેક બેટસમેનની તક આપી. દિનેશ કાર્તિક, અંબાતિ રાયડૂ, મનીષ પાંડે અને વિજય શંકરને અજમાવવામાં આવ્યા. અમારું માનવું છે કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં વિજય શંકર ઉપયોગી બની રહેશે. આથી તેને તક આપી. તે સારો બોલર પણ છે.
પ્રસાદે એમ પણ જણાવ્યું કે ચોથા ઝડપી બોલર તરીકે ખલીલ અહેમદ અને નવદીપ સૈનીના નામ પર ચર્ચા થઇ હતી, પણ આખરે ત્રીજા સ્પિનર તરીકે અનુભવી રવિન્દ્ર જાડેજાને તક આપી છે. તે સારો ફિલ્ડર અને ઉપયોગી બેટસમેન પણ છે. 
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer