માલિંગાના મૅજિકે બેંગ્લોરને 171 સુધી સીમિત રાખ્યું

માલિંગાના મૅજિકે બેંગ્લોરને 171 સુધી સીમિત રાખ્યું
એબી ડિવિલિયર્સના 75 અને મોઈન અલીના 50 છતાં મુંબઈના બૉલરોએ રંગ રાખ્યો 

આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 15: લાગલગાટ ત્રણ મૅચ જીત્યા બાદ ગત શનિવારે રાજસ્થાન રૉયલ્સ સામે ઘરઆંગણે પરાજીત થયા બાદ પૉઈન્ટ્સ ટેબલ અને આત્મવિશ્વાસના તળિયે બેઠેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગ્લોર સામે મુંબઈ ઈન્ડિયન્સને સારો દેખાવ કરશે એવી આશા હતી. જે મુંબઈના બૉલરોએ બેંગ્લોરને સાત વિકેટે 171 સુધી સીમિત રાખીને પૂરી કરી હતી. ટૉસ જીતીને બાલિંગ કરવાના સુકાની રોહિત શર્માના  નિર્ણયને સાચો ઠેરવતા હોય એમ મુંબઈના ઝડપી બૉલરોએ વાનખેડેની ફાસ્ટ બૉલરોને યારી આપતી પીચ પર બેંગ્લોરના સ્ફોટક બેટ્સમેનોને શરૂઆતમાં જડકી રાખ્યા હતા. ત્રીજી જ અૉવરમાં જેસન બેહરેનડ્રૉફે વિરાટ કોહલીને વિકેટ પાછળ ડીકૉકના હાથમાં ઝીલાવી દીધો હતો. જો કે, અૉપનર પાર્થિવ પટેલે બેહરેનડ્રૉફના ક્વૉટાની ત્રીજી અૉવરમાં 18 રન ઝીંકી દઈ ચિંતા ઊભી કરી હતી. પણ દાવની સાતમી અૉવરના છેલ્લા દડે પાર્થિવને હાર્દિકે સૂર્યકુમારના હાથમાં ઝીલાવી દઈ રનગતિને બ્રૅક મારી હતી. પાર્થિવે 20 બૉલમાં 28 રન કર્યા હતા. શરૂઆતમાં એ બી ડિવિલયર્સ છૂટથી રમી શકતો નહોતો, પણ સ્પીનરો આક્રમણમાં આવતા જ તેણે અને મોઈન અલીએ ખભા ખોલીને કેટલાક ઊંચા શૉટ્સ મારવાની સાથે સિંગલ લઈ સ્કૉર બૉર્ડ ફરતું રાખ્યું હતું અને ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી નોંધાવી હતી. એક તબક્કે એવું લાગતું હતું કે આ બંને સાથે મળીને મૅચને મુંબઈની પહોંચથી બહુ દૂર લઈ જશે. પણ છેલ્લી ત્રણ અૉવરમાં ઉપરાછાપરી પડેલી પાંચ વિકેટને કારણે મુંબઈ ગેમમાં પાછું ફર્યું હતું, 
અઢારમી અૉવરમાં પહેલા બૉલે માલિંગાએ મોઈન અલીને એવા સમયે આઉટ કર્યો જ્યારે તે જેખમી જણાઈ રહ્યો હતો. મોઈને માત્ર 32 બૉલમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 50 રન કર્યા હતા. તો એ જ અૉવરમાં સ્ટોઈનીસને પણ માલિંગાએ તંબુભેગો કરી દીધો. ખરૂં બૉનસ તો છેલ્લી અૉવરમાં મળ્યું જ્યારે પૉલાર્ડે લૉન્ગ-અૉનથી ડાયરેક્ટ હિટ દ્વારા ડિવિલિયર્સને 75 રનના (51 બૉલ, છ ચોગ્ગ, ચાર છગ્ગા) વ્યક્તિગત સ્કૉર પર રનઆઉટ કર્યો. એ પછી એ જ અૉવરમાં આકાશદીપ નાથ અને પવન નેગીને વિકેટકીપરના હાથમાં ઝીલાવી દીધા. આમ, મુંબઈએ બેન્ગ્લોરના મહારથી બેટ્સમેનોને માત્ર 171 રન સુધી સીમિત રાખ્યા હતા. મુંબઈ વતી ચાર અૉવરમાં 31 રનમાં ચાર વિકેટ લેનાર માલિંગા સૌથી સફળ બૉલર રહ્યો હતો. તો બુમરાહે પોતાની ચાર અૉવર્સમાં એક મેઈડન સાથે માત્ર બાવીસ રન જ આપ્યા હતા. આ સીઝનમાં અત્યાર સુધીની સાતમાંથી છ મૅચોમાં મુંબઈએ 170 પ્લસનો સ્કૉર કર્યો હોવાથી આ લક્ષ્યાંક તેમની રૅન્જમાં છે એમ કહી શકાય. મુંબઈએ આજે ઈજાગ્રસ્ત અલઝારી જોસેફના સ્થાને અનુભવી માલિંગાને ટીમમાં લીધો હતો, તો બેંગ્લોરે સીઝનનો પહેલો વિજય મેળવનાર ટીમ કૉમ્બિનેશ જાળવી રાખ્યું હતું.    
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer