વૈશ્વિક સોનું એક અઠવાડિયાના તળિયે

વૈશ્વિક સોનું એક અઠવાડિયાના તળિયે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 15 : જોખમ સામે હેજરૂપે થઇ રહેલી સોનાની ખરીદીમાં ઓટ આવવાથી સોમવારે ન્યૂ યોર્કમાં એક અઠવાડિયાના નીચાં ભાવ જોવા મળ્યા હતા. ઇન્ટ્રા ડેમાં સોનું ઔંસદીઠ 1284 ડૉલર સુધી ઘટયા પછી આ લખાય છે ત્યારે 1289 રનીંગ હતુ.
કેપિટલ ઇકોનોમિક્સના વિશ્લેષક રોસ સ્ટ્રેચન કહે છે, અમેરિકા-ચીન વચ્ચે જકાતયુદ્ધના મુદ્દે થઇ રહેલી સમાધાનરૂપી વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. સકારાત્મક ચિત્ર ઉપસી રહ્યું છે એટલે સોનું હવે હેજરૂપે ઓછું ખરીદાય છે. બજારમાં વેચવાલી વધી ગઇ છે.  અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્ટીવન નૂચીન કહે છે, વાતચીતનો દોર આખરી તબક્કે છે. બન્ને દેશો સમાધાન માટે તૈયાર છે. આ મુદ્દો સામે આવતા  ચિંતા હળવી થઇ છે. 
દરમિયાન ચીનની વધેલી નિકાસ અને યુરોપીયન યુનિયનમાં ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું હોવાના આંકડાઓ બહાર આવવાથી ઇક્વિટી માર્કેટમાં તેજી રહી હતી. તેની અસર પણ સોનાના ભાવ ઉપર વર્તાઇ હતી. ચાર્ટિસ્ટોના મતે સોનાનો ભાવફરીથી 4 એપ્રિલનું 1280 ડૉલરનું તળિયું જોઇ શકે છે. ટેક્નિકલ રીતે 1288 ડૉલર ટેકારૂપ છે. આ સ્તર તૂટે તો વધારે મંદી આવશે. સોનું 1300 ડૉલર વટાવવાની કોશિષ છેલ્લાં કેટલાક દિવસથી કરી રહ્યું છે પણ સફળ નીવડતું નથી.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 80ના ઘટાડે રૂ. 32,670 હતો. મુંબઇમાં રૂ. 94ની નરમાઇ સાથે રૂ. 31,716 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 14.90 ડોલર રહી હતી. સ્થાનિક બજારમાં એક કિલો રૂ. 50 વધી રૂ. 37,750 અને મુંબઇમાં રૂ. 255 ઘટીને રૂ. 37,015 હતી.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer