ખાદ્ય પદાર્થો અને ઇંધણના ભાવ વધતાં માર્ચમાં હોલસેલ ફુગાવો વધીને 3.18 ટકા

ખાદ્ય પદાર્થો અને ઇંધણના ભાવ વધતાં માર્ચમાં હોલસેલ ફુગાવો વધીને 3.18 ટકા
માર્ચ મહિનામાં શાકભાજીમાં ફુગાવો પાછલા માસની તુલનાએ 6.82 ટકા વધી 28.13 ટકા થયો

મુંબઇ, તા. 15 : ખાદ્ય પદાર્થો અને ઇંધણના ભાવ વધવાના કારણે સતત માર્ચમાં બીજા મહિને હોલસેલ ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) વધીને 3.18 ટકા થયો હોવાનું આજે જાહેર થયેલા સરકારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. ગયા ફેબ્રુઆરી માસમાં હોલસેલ ફુગાવો 2.93 ટકા અને વર્ષ 2018ના માર્ચમાં 2.74 ટકા હતો. 
ગયા માર્ચ માસમાં શાકભાજીના ભાવમાં તીવ્ર વધારો થવાના કારણે હોલસેલ ફુગાવો વધ્યો હોવાનું સરકારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.
માર્ચ મહિનામાં શાકભાજીમાં ફુગાવો પાછલા માસની તુલનાએ 6.82 ટકા વધી 28.13 ટકા થયો હતો, જોકે, બટેટામાં ફુગાવો ફેબ્રુઆરીના 23.40 ટકાથી ઘટીને માર્ચમાં 1.30 ટકા થયો હતો.ખાદ્ય પદાર્થોમાં ફુગાવો માર્ચ મહિનામાં 5.68 ટકા રહ્યો હતો. ઈંધણ અને ઊર્જા શ્રેણીમાં ફુગાવો ફેબ્રુઆરીના 2.33 ટકાથી વધીને માર્ચમાં 5.41 ટકા થયો હતો. રિઝર્વ બૅન્ક સામાન્યપણે રિટેલ ફુગાવાને ધ્યાનમાં રાખીને નાણાનીતિ વિશે નિર્ણય કરે છે, આરબીઆઇએ આ માસની શરૂઆતમાં ધિરાણ માટેના વ્યાજદર 0.25 ટકા ઘટાડયા હતા. 
માર્ચમાં રિટેલ ફુગાવો ફેબ્રુઆરીના 2.57 ટકાથી વધીને 2.86 ટકા થયો હતો. આરબીઆઇએ એપ્રિલ - સપ્ટેમ્બરના ગાળા માટે રિટેલ ફુગાવાનો અંદાજ 2.9 થી 3 ટકાનો રાખ્યો છે. અન્ન અને ઇંધણના ભાવ નીચા રહેવાની તેમજ આગામી ચોમાસું સામાન્ય રહેવાની ધારણાએ આરબીઆઇએ ઉક્ત અંદાજ નક્કી કર્યો છે. 
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer