સકારાત્મક વૈશ્વિક પરિબળોથી શૅરબજારોમાં સાવધ ખરીદી

સકારાત્મક વૈશ્વિક પરિબળોથી શૅરબજારોમાં સાવધ ખરીદી
તાતા મોટર્સ, હીરો મોટો, અલ્ટ્રાટેક, સિપ્લામાં તેજી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : વૈશ્વિક બજારોના સકારત્મક સંકેત સાથે સ્થાનિકમાં ફંડ અને રોકાણરૂપી લેવાલીના લીધે એનએસઈમાં નિફટી 47 પૉઈન્ટ વધીને 11690.35ના લેવલે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્ષ 139 પૉઈન્ટસ વધી 38906 પૉઈન્ટસના સ્તરે બંધ આવ્યો હતો. આજના સુધારામાં ટીસીએસ, એચડીએફસી બૅન્ક, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ ઉપરાંત મેટલ શૅરોમાં નવી લેવાલીને લીધે બજાર સુધારે રહ્યું હોવાનું જણાય છે. બજારની માર્કેટ બ્રિધ સકારાત્મક રહેવાથી બીએસઈના કુલ 2800 ટ્રેડેડ શૅરમાંથી 1454 સુધારે અને 1129 શૅર ઘટીને બંધ હતા. એનએસઈમાં નિફટીના 30 શૅર વધવા સાથે 20 શૅર ઓછા-વત્તા ઘટયા હતા. આજે એનએસઈમાં નિફટી અગાઉના બંધ સામે ઉપરમાં 11667 ખૂલીને 11704 સુધી ઉપર ગયો હતો. જે ટ્રેડિંગ અંતે કુલ 47 પૉઈન્ટના સુધારે 11690.35 બંધ રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 139 પૉઈન્ટ વધીને 38906 બંધ હતો. બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ અનુક્રમે 93 અને 75 પૉઈન્ટ વધ્યા હતા. આજના સુધારામાં એનએસઈમાં ક્ષેત્રવાર 14 ઈન્ડેકસ સુધારે હતા.
અમેરિકા અને ચીનની ટ્રેડ વાટાઘાટમાં સંગીન પ્રગતિના અહેવાલથી વૈશ્વિક અગ્રણી બજારો છ મહિનાની ટોચે પહોંચતા સ્થાનિક બજારમાં નિફટી સાથે વીઆઈએકસ ઈન્ડેક્સ આશ્ચર્યજનક રીતે વધ્યો હતો.
આજે સુધરનાર મુખ્ય શૅરમાં ટીસીએસ માર્ચ, '19 અંતે સારી કમાણીના આધારે ટ્રેડ અંતે રૂા. 99 સુધારે બંધ હતો. તાતા મોટર્સ વધુ રૂા. 16 સુધર્યો હતો. હીરો મોટોકોર્પ રૂા. 61, ટિસ્કો રૂા. 20, અલ્ટ્રાટેક રૂા. 59, કોલ ઇન્ડિયા રૂા. 9, સિપ્લા રૂા. 11, કોટક બૅન્ક રૂા. 30, ઈન્સડઈન્ડ બૅન્ક રૂા. 12, એચડીએફસી બૅન્ક રૂા. 13 વધ્યા હતા. આજે ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સ સુધારે હતો. જેમાં એમએમ ફાઈનાન્સિયલ બે ટકા વધ્યો હતો. બ્રિટાનિયા રૂા. 14 વધ્યો હતો. આજે નિફટી મેટલ ઈન્ડેક્સ 70 પૉઈન્ટ વધવા સામે પીએસયુ બૅન્કેક્સ 0.40 ટકા ઘટાડે હતો.
આજે સુધારા સામે ઘટવામાં બજાજ ફાઈનાન્સ રૂા. 28, એશિયન પેઈન્ટ રૂા. 7, એચડીએફસી રૂા. 11, ટાઈટન રૂા. 7, સનફાર્મા રૂા. 6, ઈન્ફોસીસ નબળા (પરિણામને લીધે) રૂા. 20 ઘટાડે હતો. તાતા મોટર્સના રૂા. 500 કરોડના શૅર તાતા સન્સે લેવાની જાહેરાત કરવાથી શૅરમાં જંગી સુધારો જોવાયો છે. બીએસઈમાં આ શૅર રૂા. 231ની ટોચે હતો.
એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે નિફટીમાં 11700 ઉપર 11750 અને 11761નો રેસિસ્ટન્ટ ઝોન ગણી શકાય.
વૈશ્વિક-એશિયાના બજાર
અમેરિકા-ચીનની ટ્રેડ વાટાઘાટ નિર્ણાયક રીતે આગળ વધવાના અહેવાલથી ન્યૂ યૉર્કમાં નાસ્દાક 37 પૉઈન્ટ વધ્યો હતો. જપાનમાં નિક્કી નોંધપાત્ર 299 પૉઈન્ટ વધ્યો હતો. જ્યારે એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેકસ ઈન્ડેક્સ 0.5 ટકા ઉછાળે બંધ હતો. જોકે, હૉંગકૉંગમાં હૅંગસૅંગ 99 પૉઈન્ટના પ્રત્યાઘાતી ઘટાડે બંધ રહ્યો હતો.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer