પાર્સલ કંપનીના માણસો દ્વારા ચોરીની વધી રહેલી ઘટના

પાર્સલ કંપનીના માણસો દ્વારા ચોરીની વધી રહેલી ઘટના
જ્વેલર્સને પસંદગીની કંપનીઓ દ્વારા જ માલ મોકલવાની સલાહ

મુંબઈ, તા. 15: સોના-ચાંદીના દાગીનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જનારી આંગડિયા પેઢીના  જેવી પાર્સલ લઈ જનારી  કંપનીનો માણસ માલ લઈને ભાગી જાય અથવા કંપનીની બેદરકારીથી તેની ચોરી થઇ જાય તો વીમા કંપની તેનું વળતર ચૂકવવાનો ઇનકાર કરતી હોવાથી ઝવેરી બજારમાં તીવ્ર વિરોધ ઊઠ્યો છે.  
ઝવેરીઓ તેમના દાગીનાને પાર્સલ કંપનીઓ મારફત મોકલે ત્યારે તેઓ સામાન્ય રીતે જવેલર્સ બ્લોક ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવે છે, જેમાં મુસાફરી દરમ્યાન માલની ચોરી થવી કે લૂંટાઈ જવા જેવાં જોખમોનો સમાવેશ હોય છે,પણ આ કંપનીના કર્મચારીની ખરાબ દાનતને કારણે તે માલ લઈને ભાગી જાય તો તેનું વળતર માલ મોકલનારને મળતું નથી. આ વાતનું ભાન ઝવેરીઓને હવે રહીરહીને થયું  જયારે એક પાર્સલ કંપનીનો માણસ તેની પાસેનું કરોડોનું સોનુ લઈને ભાગી ગયો હતો. આ ચોરીનો ભોગ બનનાર ઝવેરીએ વળતરનો દાવો કર્યો ત્યારે વીમા કંપનીએ તે એ કારણસર નકારી કાઢ્યો કે લોજાસ્ટિક કંપનીના કમર્ચારીની અપ્રામાણિકતાને કારણે થયેલા નુકસાન સામેના જોખમનો આ પોલિસીમાં સમાવેશ થતો નથી. 
ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિઅયેશન (ઈબજા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે, આ ચોરીની ઘટનામાં જવેલર્સને વીમા કંપનીએ વળતર તો ન આપ્યું ,એ પાર્સલ કંપનીએ પણ તેને દાદ આપી નહીં. 
જવેલર્સ દ્વારા પાર્સલમાં મોકલતા માલના વીમાનું કામકાજ કરતી કંપનીના એક ટોચના અધિકારીએ કહ્યું કે પાર્સલ દ્વારા મોકલવામાં આવતો  કીંમતી માલ આંગડિયા કે પાર્સલ કંપનીનો માણસ લઈને ભાગી જાય કે તે ચોરી કરે તો તેનું વળતર વીમા કંપનીઓ આપતી નથી, તે હવે જવેલર્સને સમજાઈ રહ્યું છે.   
સુરેન્દ્રભાઈએ જવેલર્સને સલાહ આપી કે તેમણે એવા આંગડિયા કે પાર્સલ કંપનીને જ માલ મોકલવા માટે સોંપવો જેમણે તેમના કર્મચારીઓનો `િફડિલિટી પોલિસી` કઢાવી હોય. અર્થાત્, જે તે કર્મચારીમાં તેની કંપનીને ભરોસો હોવાને લગતી પોલિસી લીધી હોય. આવી કંપનીનો કર્મચારી પાર્ટીનો માલ લઈને ભાગી જાય તો મોકલનારને તેનું વળતર મળી જાય છે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer